Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા વિસ્તારમાં એક ડેરીના સંચાલકો દ્વારા જુદા જુદા આસામીઓ પાસેથી દૂધ વેચાતું લઇ, અને તેની બદલે આપવાની થતી રકમ ન આપીને કુલ રૂપિયા 83.78 લાખની રકમ છેતરપિંડી કરીને મેળવી લીધાનો બનાવ સામે આવ્યો છે.આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે હરસિદ્ધિ ચિલિંગ દૂધ સેન્ટર નામની ડેરીમાં જુદા જુદા વિસ્તારની ડેરી તેમજ આસામીઓ પાસેથી દૂધ વેચાતું લેવામાં આવતું હતું. આ માટે મૂળ માણાવદર તાલુકાના ભીતાણા ગામના રહીશ અને હાલ લાંબા ગામે રહેતા રાજેશ હમીરભાઈ ચાવડા તેમજ લાંબા ગામના અન્ય બે રહીશ સુનિલ ઘેલુભાઈ ચેતરીયા અને ઘેલુ માલદેભાઈ ચેતરીયા નામના કુલ ત્રણ આસામીઓ દ્વારા જુદી જુદી ડેરીઓમાંથી વેચાણ મારફતે દૂધ લેવામાં આવતું હતું.
નક્કી થયા મુજબ આ દૂધનો હિસાબ દર દસ દિવસે આપી દેવાના બદલે ઉપરોક્ત શખ્સો દ્વારા દૂધ આપનાર આસામીઓને જુનાગઢની ડેરીનો કોડ આપવાનું કહ્યા બાદ આરોપીઓ દ્વારા આ પ્રકરણમાં ભાટીયા ગામના ડેરી સંચાલક અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા અનિરુદ્ધસિંહ મુરુભા વાઢેર નામના યુવાન તેમજ તેમની સાથે અન્ય સાહેદોને આપવાની થતી દૂધની રકમ કે ડેરીનો કોડ આપ્યો ન હતો.
આમ, અવારનવાર ઉઘરાણી કરવા છતાં આરોપીઓએ દૂધ પેટે કુલ રૂપિયા 83,78, 473 ની રકમ ન આપી અને જુદા જુદા આસામીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ ભાટિયા ગામના અનિરુદ્ધસિંહ વાઢેરની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આ રકમ ન આપી અને નાસી ગયેલા રાજેશ હમીર ચાવડા તથા અન્ય બે શખ્સો સામે આઈ.પી.સી. કલમ 406, 420 તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.