Mysamachar.in:ગુજરાત:
કરોડો મોબાઈલધારકો એવા છે જેમને દરરોજ અજાણ નંબરો પરથી એક કરતાં વધુ કોલ આવતાં હોય છે અને આ ધારકો કોલ કરનારનું નામ જાણી શકતા નથી. આ પ્રકારના કોલ ટેલી માર્કેટ કંપનીઓ કે ચીટરોના પણ હોય છે. આ પ્રકારના કોલને કારણે મોબાઈલધારકો પરેશાની અનુભવતા હોય છે, પરંતુ આગામી સમયમાં તમે આ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકશો.
કેન્દ્રીય એજન્સી TRAI અને DoT department of telecom દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, તમારાં મોબાઈલ પર કોઈ પણ નંબર પરથી કોલ આવે, તે ફોનનંબર જેના નામે નોંધાયેલો હશે તે નામ તમારાં મોબાઈલની સ્ક્રીન પર આવી જશે. સરકારી વિભાગોએ આ સેવાઓ default બનાવવાનો નિર્ણય લીધો છે. આ સેવાને CNAP એટલે કે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન તરીકે ઓળખવામાં આવશે.
આ પ્રકારની સેવાઓ દેશભરમાં લાગુ કરતાં પહેલાં ટેલિકોમ કંપનીઓ પાસે આ સેવાની ટ્રાયલ મુંબઈ અને હરિયાણા ટેલિકોમ સર્કલમાં કરાવવામાં આવી. તેના પરિણામો સંતોષકારક આવ્યા છે. આથી હવે આ સેવાઓ આખા દેશમાં લાગુ કરવા અંગે સરકારે ટેલિકોમ કંપનીઓને સૂચનાઓ આપી દીધી છે, જો કે VVIP અને સરકારી તપાસનીશ એજન્સીઓને આ વ્યવસ્થાઓમાંથી બહાર રાખવામાં આવી છે, એમના કોલમાં તમે કોલ કરનાર ફોનનંબરનું નામ જાણી શકશો નહીં. દેશભરમાં મોબાઈલના માધ્યમથી, ખાસ કરીને અજાણ નંબરના દુરુપયોગથી અનેક પ્રકારની છેતરપિંડીઓ પણ થઈ રહી હોય, તે અટકાવવા આ નિર્ણય લેવાયો છે.


