Mysamachar.in-અમદાવાદ:
કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કારણોસર હોટેલમાં રોકાય ત્યારે, ખરેખર તો તેના ચહેરાની અને આધારકાર્ડ નંબરની જ ઓળખ માટે જરૂર હોય, પરંતુ અત્યાર સુધી એવું ચાલ્યું કે, તમારૂં એડ્રેસ- ઉંમર અને મોબાઈલ નંબર જેવી બાબતો ધરાર પૂછવામાં આવતી. આ માહિતીઓ અંગત કહેવાય, જે જાહેર થઈ જતી કારણ કે, આવી ઘણી જગ્યાઓ પર તમારી પાસે આધારકાર્ડની ‘નકલ’ ફરજિયાત રીતે લેવામાં આવતી. હવે આ પ્રથા બંધ થશે. સરકારે આ માટેની એક અપડેટેડ એપ જાહેર કરી.
કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજિ મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુદે આ જાહેરાત કરી. એમણે આધાર સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું કે, આ અપડેટેડ એપ આવ્યા બાદ હવે લોકોએ હોટેલ કે દુકાન જેવી જગ્યાઓ પર પોતાના આધારકાર્ડની ફોટોકોપી આપવી નહીં પડે. હવે ચહેરાના વેરિફિકેશનની પ્રોસેસ આ એપ મારફતે થઈ જશે. આધારકાર્ડની અન્ય વિગતો જાહેર થતી અટકાવી શકાશે.
મંત્રીએ કહ્યું: આ વ્યવસ્થા ડિજિટલ પેમેન્ટ માફક સરળ બનાવવામાં આવી. માત્ર QR કોડની મદદથી આધારકાર્ડનું ડિજિટલ વેરિફિકેશન પળવારમાં થઈ જશે. આધારકાર્ડ અનેક પહેલનો આધાર હોય, આથી ઘણી બધી બાબતો સરળ થઈ જશે.
એમણે કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું: આ નવી એપ સંપૂર્ણ સુરક્ષિત છે. આધાર સાથે જોડાયેલો ડેટા કયાંય પણ લીક થશે નહીં. કોઈ પણ વ્યક્તિ પોતાની આધારકાર્ડની વિગતો પર અંકુશ મેળવી શકશે. લોકો એટલી જ વિગતો જાહેર કરી શકશે, જેટલી જાહેર કરવી જરૂરી હોય. અત્રે ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી આધાર વેરિફિકેશનના નામે વ્યક્તિનું નામ, સરનામું અને મોબાઈલ નંબર સહિતની બધી વિગતોની જાણકારીઓ હોટેલ વગેરે સ્થળોએ લઈ લેવામાં આવતી હતી. આટલી બધી જાણકારીઓ લેવી જરૂરી હતી જ નહીં. તમારો ચહેરો અને તમને આપવામાં આવેલો આધારકાર્ડ નંબર જ જાણવાના હોય. આ વેરિફિકેશન ડિજિટલી શક્ય છે. તેમાં આધારકાર્ડની નકલ કે મોબાઈલ નંબર આપવાની જરૂરિયાત રહેતી નથી. સરકારની આ પહેલ કરોડો દેશવાસીઓ માટે લાભદાયી સાબિત થઈ શકશે.