Mysamachar.in-અમદાવાદ:
હાલમાં એવી સિસ્ટમ છે કે, હોટેલ- એરપોર્ટ જેવી જગ્યાઓ પર તથા ઘણી ઈવેન્ટમાં આયોજકો મુલાકાતીઓના આધારકાર્ડની ફિઝિકલ નકલ માંગે છે. વેરિફિકેશનની દ્રષ્ટિએ આ બાબત સારી છે પરંતુ તેમાં એક જોખમ એ પણ છે કે, તમારાં આ આધારકાર્ડની નકલનો કોઈ ખોટો ઉપયોગ કરી લ્યે તો ? આ જોખમ નિવારવા હવે નવી સિસ્ટમ આવશે.
UIDAIના વડા ભુવનેશકુમાર કહે છે: આગામી સમયમાં આધારકાર્ડના ફિઝિકલ વેરીફિકેશનની પ્રથા બંધ થશે. માત્ર ડિજિટલ વેરીફિકેશન થઈ શકશે. તમારે કયાંય પણ આધારકાર્ડની નકલ આપવાની રહેશે નહીં. સંભવિત જોખમ નિવારી શકાશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હવે નવો ડેટા પ્રોટેક્શન એક્ટ અમલમાં આવી ગયો છે. આથી નાગરિકોના આ ડેટાનું હવે પ્રોટેક્શન કરવામાં આવશે. અત્યાર સુધીમાં અનેક જગ્યાઓ પર નાગરિકોના આધારકાર્ડની કરોડો નકલો જુદી જુદી જગ્યાઓ પર પહોંચી ગઈ છે. તેમાંથી કોઈ જગ્યાઓ પર આધારકાર્ડનો દુરુપયોગ પણ થયો હોય શકે. આ એક મોટું જોખમ છે.
UIDAI હવે કહે છે: આધારકાર્ડની ફિઝિકલ વેરીફિકેશન પદ્ધતિથી કાર્ડની એટલે કે વ્યક્તિની ગોપનીયતા જોખમાઈ રહી છે. આ વેરીફિકેશન કાયદાની પણ વિરુદ્ધ છે. આથી નવા નિયમને મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી સમયમાં આ નવો નિયમ સૂચિત થઈ જશે. પછી માત્ર ડિજિટલ વેરીફિકેશન થઈ શકશે. પછી QR કોડ અથવા એપ્લિકેશન આધારિત ઓનલાઈન ચકાસણીઓ થઈ શકશે.


