Mysamachar.in-ખેડા
આમ તો ગાંધીના ગુજરાતમાં રેકર્ડ પર દારૂબંધી છે, બીજી તરફ રાજયમાં કરોડો રૂપિયાનો દેશી દારૂ બને છે, વેચાય છે, પિવાય છે અને પકડાતો પણ રહે છે. આ પ્રકારની વિચિત્ર સ્થિતિને લીધે થોડાં થોડાં વર્ષે રાજયમાં લઠ્ઠાકાંડ પણ સર્જાતા રહે છે, આવો વધુ એક લઠ્ઠાકાંડ બન્યો હોવાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે અને આ કથિત કાંડમાં પાંચ યુવાનોના મોત પણ થઈ ચૂક્યા છે જેને કારણે રાજયમાં વધુ એક વખત સનસનાટી મચી ગઈ છે.
પાછલાં ત્રણ દિવસ દરમિયાન ખેડા જિલ્લાના અલગઅલગ પંથકમાં સંભવિત લઠ્ઠાકાંડને કારણે પાંચ યુવાનો મોતને ભેટયા છે. પોલીસે આ મોતકાંડને પુષ્ટિ આપી છે પણ મોત શાથી થયાં છે એ અંગે પોલીસે કોઈ સતાવાર નિવેદન આપ્યું નથી. અને બીજો મુદ્દો એ કે, પોલીસના જણાવ્યા અનુસાર, પાંચ પૈકી ચાર મૃતદેહના અંતિમ સંસ્કાર પરિવારજનોએ કરી નાંખ્યા છે અને એક યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. ચાર મોત અંગે પોલીસમાં કોઈ જાણ જ કરવામાં આવી નથી, એમ પોલીસ કહે છે. એવુ પણ જાહેર થયું છે કે, એક મૃતકનો પિતા એમ કહે છે કે, તેના પુત્રને દારૂ પિવાની આદત જ ન હતી !! (પાર્ટી કરવા જતો જેઠાલાલ બાપુજીને કહીને જાય ?!)
રાજયના પોલીસ વડા વિકાસ સહાયે આ પાંચ યુવાનોના મોત મામલે સ્થાનિક પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. સોમવારે બે અને મંગળવારે બે યુવાનોના મોત પછી બુધવારે વધુ એક યુવાનનું મોત થયું. એમ પણ કહેવાય છે કે, આ પાંચેય યુવાનોએ સોફ્ટડ્રીંક સાથે દેશી દારૂ પીધો હતો. જો કે હવે FSL અને પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આ યુવાનોના મોતના કારણો બહાર આવી શકે છે.
ખેડા SPએ કહ્યું કે, અચાનક થયેલા મોત બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. બે મૃત્યુ થયા તેમાં એક મહેમદાવાદ અને બગડુ ગામના છે. SPએ કહ્યું કે, બે મૃત્યુ થયા ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરાઈ ન હતી. બિલોદરાના 3 લોકોના મૃત્યુ થયા પણ બિલોદરાના મૃતકના પરિવારે પણ પોલીસને માહિતી આપી ન હતી. મીડિયામાં સમાચાર જાણ્યા બાદ મૃતકના પરિજનો પાસેથી જાણકારી મેળવી હતી. ગતરાત્રે નટુભાઈનું મૃત્યુ થતા પરિજનો ઘરે લઈ જવા માંગતા હતા.
આ ઉહાપોહ પછી સ્થાનિક પોલીસે ખેડા અને નડિયાદમાં દારૂ સંબંધે દરોડા પાડ્યા છે. મહેમદાવાદ, મહુડા અને નડિયાદના કુલ ત્રણ ગામોમાં આ પાંચ મોત નોંધાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 2009માં અમદાવાદ ખાતે લઠ્ઠાકાંડમાં 136ના મોત થયેલાં. જેતે સમયે આ કાંડના છેડા ખેડા અને મહેમદાવાદ ખાતે જોવા મળેલાં. અને તપાસ દરમિયાન ત્યારે એ પણ જાહેર થયેલું કે, કુખ્યાત બુટલેગર વિનોદ ચૌહાણ ઉર્ફે તગડી નામના શખ્સનો દારૂ મહેમદાવાદમાં વેચાતો હતો. 2022માં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. તેમાં જે કેમિકલનો રોલ જાહેર થયેલો તે કેમિકલ અમદાવાદની એક ફેકટરીમાંથી આવ્યું હતું. આ લઠ્ઠાકાંડમાં 15 લોકોના મોત થયા હતાં. ફેકટરીના મેનેજર અને બુટલેગરની ધરપકડ થયેલી. તે સમયે તપાસના અંતે એક પોલીસ અધિકારી તથા પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
ખેડા અને નડિયાદમાં સર્જાયેલો આ કાંડ લઠ્ઠાકાંડ છે કે કેમ ? તેની તપાસ હવે થશે. પાંચ પૈકી ચાર યુવાનોના મોત પછી પોલીસ ચિત્રમાં શા માટે ન હતી ? તે મુદ્દે પણ તરેહતરેહની ચર્ચાઓ ચાલી રહી છે. પાંચમા યુવાનના મોત બાદ પોલીસે મૃતદેહ કબજે લીધો છે અને પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.