Mysamachar.in-નવસારી:
રાજ્યમાં દુર્ઘટનાઓ નોંધાવાનો ગંભીર સિલસિલો કમનસીબે આગળ વધી રહ્યો છે, માનવ જિંદગીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. આગ અકસ્માતોની હારમાળા લંબાતી જાય છે, જેમાં નિર્દોષ લોકોનો બલિ ચડી રહ્યો છે અને કસૂરવારો બચી જતાં હોય છે અથવા પ્રમાણમાં હળવી સજાઓ થઈ રહી છે- એવી લોકલાગણી તીવ્ર બની રહી છે, એ સ્થિતિઓ વચ્ચે વધુ એક દુર્ઘટનાની વિગતો જાહેર થઈ છે, જેથી અરેરાટી વ્યાપી ગઈ છે. આ ભયાનક અગ્નિકાંડમાં 3 જિંદગીઓ ભડથું બની.
આજે સવારે જાહેર થયેલી વિગતો અનુસાર, દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં બિલીમોરા-ગણદેવી પંથકમાં આ બનાવ બન્યો. ટ્રાન્સપોર્ટના એક ગોદામમાં ભયાનક આગ ફાટી નીકળી. ચોક્કસ પ્રકારના કેમિકલના કેરબા તથા ડ્રમ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવી રહ્યા હતાં, ત્યારે આ દુર્ઘટના બની હોવાનું બહાર આવ્યું છે પરંતુ ક્યા ટ્રાન્સપોર્ટના ગોદામમાં આગ લાગી તે પેઢીનું નામ જાહેર થયું નથી. ઉપરાંત ક્યા કેમિકલને કારણે આ બનાવ બન્યો, તે કેમિકલનું નામ પણ આગના બનાવના કલાકો બાદ પણ જાહેર થયું નથી.
જાહેર થયેલી વિગતો અનુસાર, આ ભયંકર દુર્ઘટનામાં 3 લોકોનો ભોગ લેવાઈ ગયો છે અને બનાવ સમયે 3 લોકો ફસાઈ ગયેલા, જેમને સલામત રીતે બહાર લાવવા ફાયરબ્રિગેડ સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે. આ બનાવની જાણ થતાં આસપાસના પંથકની ફાયરબ્રિગેડ ટીમો બનાવના સ્થળે ગણદેવીના દેવસર ગામમાં દોડી ગઈ હતી. બપોરે મોડેથી જાણવા મળેલ છે કે, આ ગોદામ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કંપનીનું છે.