Mysamachar.in-જામનગર:
આજના યુગમાં જમીન સૌથી મૂલ્યવાન જણસ છે. સોના કરતાં પણ જમીનનો દબદબો ઉંચો છે. જેને કારણે જમીનમાલિકોના ઘરમાં રૂપિયાનો વરસાદ વરસી રહ્યો છે. અને, હવે જમીનમાલિકો જમીન વેચી નથી નાંખતા, ખુદ બિલ્ડર બની રહ્યા છે. તેમાં વળતર વધારે છે.
સમગ્ર ગુજરાતમાં એ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે, જમીનમાલિકો જમીન વેચીને રોકડી કરી લેવાને બદલે હવે એ જ જમીન પર બિલ્ડરની સાથે ભાગીદાર બની રહ્યા છે અને જમીનવેચાણ કરતાં આ ધંધામાં વધુ નાણાંની કમાણી કરી રહ્યા છે.રાજ્યમાં આ ટ્રેન્ડ જામનગરમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં એક તો રિ-ડેવલપમેન્ટ બિઝનેસ ચાલી રહ્યો છે, જેમાં અમદાવાદ બાજુ વધુ વળતર છૂટે છે, આથી તે વિસ્તારમાં આ બિઝનેસ ધમધોકાર ચાલે છે. સૌરાષ્ટ્રમાં એક અલગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે જમીનમાલિકો પોતાની જમીનો બિલ્ડરને વેચાણથી આપી દેવાને બદલે ખુદ બિલ્ડર બની જાય છે, આ જમીન પર પ્રોજેક્ટ ડેવલપ કરવા તેઓ બિલ્ડરની સાથે ભાગીદારીમાં ધંધો કરી, અગાઉ કરતાં વધુ એટલે કે, 25 ટકા જેટલું વધુ વળતર મેળવી રહ્યા છે.
અગાઉ જમીન વેચી જયાં એક રૂપિયો કમાણી કરતાં હતાં ત્યાં હવે પ્રોજેક્ટ સાકાર કરી સવા રૂપિયો કમાઈ રહ્યા છે. ટૂંકમાં, જમીનમાલિકોની કમાણી ‘સવાઈ’ થઈ ગઈ છે. જામનગરમાં આ ટ્રેન્ડ ગજબ ચાલે છે. બિલ્ડરને જમીનો વેચાણથી નથી મળતી. જમીનમાલિક સાથે ભાગીદારી કરવી પડે છે. અગાઉ આ ‘મલાઈ’ બિલ્ડરને મળતી, જમીનમાલિકને ઓછાં નાણાં મળતાં.
શું છે જામનગરના આંકડા ?
સમગ્ર રાજ્યમાં વર્ષ 2024 દરમ્યાન રિ-ડેવલપમેન્ટ અને જમીનમાલિક-બિલ્ડરના સંયુક્ત સાહસના કુલ 777 પ્રોજેક્ટ રજિસ્ટર્ડ થયા જેમાં સૌથી વધુ 317 એટલે કે 41 ટકા પ્રોજેક્ટ એકલાં જામનગરમાં નોંધાયા. જેમાં સ્ટેમ્પ ડ્યૂટીની સૌથી ઓછી આવક સરકારને જામનગરમાંથી થઈ.
એ જ રીતે, વર્ષ 2025માં રાજ્યમાં 30 નવેમ્બર સુધીમાં કુલ 983 પ્રોજેક્ટ આ પ્રકારના રજિસ્ટર્ડ થયા તે પૈકી સૌથી વધુ 512 પ્રોજેક્ટ જામનગરમાં નોંધાયા, જે રાજયમાં કુલ પ્રોજેક્ટના 52 ટકાથી વધુ થવા જાય છે. ટૂંકમાં, જામનગરમાં જમીનમાલિકો ચિક્કાર કમાણી કરી રહ્યા છે, બિલ્ડરની અત્યાર સુધીની ‘કમાણી’માં હવે ‘ભાગ’ નીકળી રહ્યો છે. લેન્ડલોર્ડ હવે ખરાં અર્થમાં લોર્ડ બની ગયા.

























































