Mysamachar.in-ગાંધીનગર:
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ગેમઝોનના નિયમો સહિતની બાબતો ભારે ચર્ચાઓમાં છે. હવે સરકારે નવા મોડલ નિયમો ઘડયા છે, જેની અમલવારી સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં શરૂ થશે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ સંબંધિત સુઓમોટો જાહેર હિતની અરજીની સુનાવણીઓ વડી અદાલતમાં કેટલાંક દિવસોથી ચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન, સરકારે જણાવ્યું કે, ગેમિંગ ઝોન-રાઈડ્સ એન્ડ ફન પાર્ક માટેના કાયદાકીય નિયંત્રણો અને નિયમોના પાલન માટેના પેટાનિયમો તૈયાર કરવામાં આવ્યા છે અને આગામી બે સપ્તાહ દરમિયાન આ નિયમોની જાહેરાત કરી દેવામાં આવશે.
સરકારની આ રજૂઆત ધ્યાનમાં લઈ વડી અદાલતે આ નિયમો નોટિફાઈ કરવા માટે 2 સપ્તાહનો સમય અને ત્યારબાદ તેની કમિટીની રચના કરવા માટે 1 સપ્તાહનો સમય, એમ વડી અદાલતે સરકારને કુલ 21 દિવસનો સમય આપ્યો છે. અદાલતે ટકોર કરી કે, જે ગેમઝોન સંચાલક પાસે લાયસન્સ હોય, તેણે તે લાયસન્સ લોકોને દેખાય તે રીતે સ્થળ પર રાખવાનું રહેશે. ખરેખર તો સરકારે આ નિયમ પહેલાં બનાવવાની જરૂર હતી.
આ સાથે જ સરકારે રાજયભરની શાળાઓમાં ફાયર સેફટી સંબંધિત સોગંદનામું વડી અદાલત સમક્ષ દાખલ કર્યું. આ ઉપરાંત રાજકોટ અગ્નિકાંડ અંગેનો ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટ પણ સરકારે વડી અદાલત સમક્ષ રજૂ કર્યો. અદાલતે આગામી સુનાવણી 23 ઓગસ્ટે રાખી છે. આ સુનાવણીમાં પીડિતો અને રિપોર્ટ પ્રત્યે અરજદારના પ્રતિસાદ કે જવાબનો મુદ્દો ધ્યાનમાં લેવામાં આવશે,એમ અદાલતે જણાવ્યું હતું.
આ કેસની સુનાવણી દરમિયાન અદાલતે મૌખિક ટીપ્પણીઓ કરી હતી કે, આ નિયમોનું પાલન કરાવનાર અધિકારીઓને તાલીમ આપવી જોઈએ અને તે લોકોનું આ અંગે સજાગ રહેવું જરૂરી છે. કમિટી દ્વારા નિર્ણય લેતી વખતે દરેક અધિકારીની જવાબદારીઓ નક્કી થશે. શહેરમાં કયાંય પણ તીવ્ર ગતિથી રાઈડ્સ ચાલતી હોય ત્યાં પણ આ નિયમો લાગુ કરવાના રહેશે. સરકારે આ તકે એમ પણ કહ્યું કે, 50-55 વર્ષની ઉંમરના અધિકારીઓ કાર્યદક્ષતા નહીં દાખવે તો તેમને નિવૃતિ વય અગાઉ જ ફરજિયાત નિવૃત કરી દેવામાં આવશે. દરમિયાન, વડી અદાલતે સવાલ કર્યો કે, ચીફ ફાયર ઓફિસર વર્ગ-1 અધિકારી હોય તો, તેની પરીક્ષા જીપીએસસી દ્વારા કેમ લેવાતી નથી ?(file image source:google)