Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગર વિવિધ ક્ષેત્રમાં ખરાં અર્થમાં મહાનગર બનવા તરફ આગળ વધી રહ્યું છે. શહેરની જાહેર પરિવહન સેવા આગામી સમયમાં પ્રદૂષણ અને ઘોંઘાટરહિત એટલે કે ઈલેક્ટ્રીક બની જશે. આ માટે શહેરના હાપા માર્કેટ યાર્ડ નજીક પીએમ ઈ-બસ ડેપો બનશે જ્યાં કોર્પોરેશન સંચાલિત તમામ ઈ-બસ માટે ચાર્જિંગ વ્યવસ્થાઓ અને વહીવટી ભવન વિકસાવવામાં આવશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. 13.70 કરોડનો ખર્ચ પણ મંજૂર કરી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત સમગ્ર રાજ્યની સાથેસાથે જામનગર મહાનગરપાલિકામાં પણ, હાલના ફાયરબ્રિગેડ વિભાગથી અલગ એક ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવામાં આવશે. આ વિંગમાં તમામ નિમણૂંક નવી થશે. ત્યારબાદ, હાલના ફાયર બ્રિગેડ વિભાગે માત્ર આગ ઓલવવાની જ કામગીરીઓ કરવાની રહેશે. નવી ફાયર પ્રિવેન્શન વિંગ શહેરમાં કયાંય પણ આગ ન લાગે અને આગ લાગે તો પણ ઓછામાં ઓછું નુકસાન અને જાનહાનિ થાય, એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવશે. આ વિંગ ફાયર NOC તેમજ શહેરમાં વ્યવસાયિક સહિતના બાંધકામોમાં ફાયર સેફટીના સાધનોની ગોઠવણી અને ચકાસણીઓ પણ કરશે.
આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એ કરવામાં આવ્યો કે, મહાનગરપાલિકાના ડેપ્યુટી સેક્રેટરીપદેથી વયમર્યાદાને કારણે નિવૃત થઈ ચૂકેલાં અને રાજીનામું પણ આપી ચૂકેલાં અશોક પરમારને ફરી એક વખત કોર્પોરેશનમાં આ પદ પર લાવવામાં આવશે. આ માટેના કાગળો કોર્પોરેશનમાં કમ્પ્લીટ થઈ ગયા છે, હવે આ માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવશે અને તેમની ‘સેવાઓ’ ભવિષ્યમાં પણ મહાનગરપાલિકાને મળતી રહે એ માટે સરકારમાં વ્યવસ્થિત રજૂઆત થશે.
કમિટીની આજની બેઠકમાં આ ઉપરાંત અન્ય કેટલાંક ખર્ચને મંજૂરીઓ આપવામાં આવી છે. કેટલાંક કામોના નવા અને પરચૂરણ તથા રૂટિન આયોજનો પણ કરવામાં આવ્યા છે. લોકમેળાઓ માટેની કેટલીક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ માટે કેટલાંક ખર્ચના નાણાંની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ સાથે જ મહાનગરપાલિકાની વિવિધ શાખાનો ‘ભંગાર’ વેચી રૂ. 10 લાખની આવક મેળવવા પણ આયોજન ગોઠવાયું છે. આ બેઠકમાં કુલ રૂ. 17.38 કરોડના ખર્ચ માટે અને રૂ. 10 લાખની આવક માટેની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી. આ સાથે જ સ્વતંત્રતા દિન- રાષ્ટ્રીય પર્વની ઉજવણીઓ માટે શહેરના કેટલાંક મુખ્ય માર્ગોના કામો તથા વિવિધ શાખાઓ જેવી કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ભૂગર્ભ ગટર, ગાર્ડન શાખા, સિવિલ તથા વોટર વર્કસ શાખા અને લાઈટ શાખાને ચોક્કસ પ્રકારની કામગીરીઓ સોંપવામાં આવી છે.