Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય આપદા મોચન દળના જવાનો બચાવ અને રાહત કાર્યમાં જિલ્લા વહીવટી તંત્રને મદદમાં ઉતર્યા છે. જિલ્લાના ઘડેચી ગામેથી આજે બપોરે 15 વ્યક્તિના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રના આપત્તિ વ્યવસ્થાપન તંત્રના નિયંત્રણ કક્ષને આ બાબતે મળેલા સંદેશાને પગલે એનડીઆરએફના જવાનોની એક કુમુકને બોટ સાથે ઘડેચી ગામે રવાના કરવામાં આવી હતી. જ્યાં સીમમાં આવેલા ઘરોમાં ફસાયેલા 6 પુરુષો, 5 મહિલાઓ અને 4 બાળકોને એન.ડી.આર.એફના જવાનો દ્વારા તમામને લાઇફ સેવિંગ જેકેટ પહેરાવી બોટમાં બેસાડી આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા.