Mysamachar.in-રાજકોટ:
રાજ્યના નર્મદાવિભાગે ધાર્યું હોત તો ગત્ શિયાળામાં, સમગ્ર સૌરાષ્ટ્રને પાણી પૂરૂં પાડતી સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલનું સમારકામ થઈ શક્યું હોત, પરંતુ કોઈ કારણસર એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ બ્રાંચ કેનાલનું કામ ભરઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં કરવામાં આવશે. આ કારણથી આ ઉનાળામાં સૌરાષ્ટ્રની જામનગર તથા રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓને નર્મદામૈયાનું જળ આપી શકાશે નહીં. આ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે, એમ સૂત્ર જણાવે છે.
નર્મદાનીરની ગેરહાજરીમાં સૌરાષ્ટ્રને ‘સૌની’ યોજના દ્વારા પાણી પહોંચાડવામાં આવે એવી એક શક્યતા છે. જો કે આ માટેની સત્તાવાર વૈકલ્પિક વ્યવસ્થાઓ અંગે નર્મદા વિભાગ દ્વારા હજુ સુધી કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. રાજ્યના પાણી પૂરવઠા બોર્ડ કે સિંચાઈ વિભાગ દ્વારા પણ આ બાબતે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ સંબંધે સત્તાવાર જાહેરાત થઈ નથી.

હાલ જાહેર થયેલી વિગત અનુસાર, સૌરાષ્ટ્રના કેટલાંક ગામો અને શહેર પાણી માટે નર્મદા આધારિત છે. આ સમારકામને કારણે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવાની જરૂરિયાત ઉભી થશે. આજની સ્થિતિએ નર્મદા ડેમમાં 72.5 ટકા એટલે કે 2.42 લાખ MCFT જળ સંગ્રહિત થયેલું છે. પરંતુ સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલના આગામી સમારકામને કારણે સૌરાષ્ટ્રને નર્મદા નીર આપી શકાશે નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉનાળામાં પીવાના પાણીની તથા વપરાશના પાણીની માંગમાં ઉછાળો આવતો હોય છે. આ ઉપરાંત ખેતીમાં પણ આ સિઝનમાં સિંચાઈના પાણીની ગંભીર ખેંચ રહેતી હોય છે, આથી ઉનાળામાં પાણીની કૃત્રિમ અછત ઉભી ન થાય તે માટે અત્યારથી વૈકલ્પિક વ્યવસ્થાઓ અમલમાં મૂકવી જરૂરી બની હોવાનું સૂત્ર જણાવે છે.