Mysamachar.in-જામનગર
ભારત ડિજિટલ બની ગયું છે, એમ પ્રચાર થઈ રહ્યો છે. અને, ગુજરાત વિકસિત રાજ્ય હોય, ભારતનું ગ્રોથ એન્જિન હોય, ડિજિટલ ક્રાંતિની દુનિયામાં ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે, મોટાભાગની સેવાઓ અને સુવિધાઓ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને કરોડો નાગરિકો પોતાના મોટાભાગના સરકારી કામો એક ક્લિકના સહારે ઓનલાઈન કરી રહ્યા છે. સમય, શક્તિ અને ઈંધણ બચી રહ્યા છે અને લોકોએ હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતાં નથી, બધી જ ઝંઝટ ખતમ. આ પ્રકારની વાતો તમે ઘણી સાંભળી હશે. એક ઉદાહરણ જાણવા જેવું છે.
રાજ્ય સરકારે અને ગૃહવિભાગે પોતે ડિજિટલ છે એવા દાવા સાથે ઘણાં મહિનાઓ અગાઉ એવી જાહેરાત કરી હતી કે, હવે કોઈ પણ નાગરિકે ફરિયાદ દાખલ કરાવવા પોલીસ સ્ટેશનો પર ધક્કા ખાવાની જરૂર નથી. તમારી આંગળીઓના ટેરવે ઈ-FIR સેવા ઉપલબ્ધ છે. ક્લિક કરો અને ઘરે બેઠાં ફરિયાદ દાખલ કરો. પોલીસ-સરકાર તમારાં દ્વાર, તમારાં આંગણે.
આ શબ્દોની રંગોળી સરસ છે. નાગરિકોને એમ થાય કે, કેવું સરસ. પરંતુ આજે સવારે Mysamachar.in દ્વારા સરકારના આ દાવાની જાતતપાસ કરવામાં આવી. ઈ-FIR અંગે જાણકારીઓ આપવામાં પોલીસ કંટ્રોલરૂમને રસ નથી. કહે છે: રીડર શાખાનો સંપર્ક કરો. રીડર શાખા કહે કોમ્પ્યુટર વિભાગનો સંપર્ક કરો. રીડર શાખાએ એ પણ તૈયારીઓ ન દેખાડી કે, જામનગરમાં ઈ-FIR કોન્સેપ્ટની આંકડાકીય સ્થિતિઓ શું છે ? લ્યો આંકડાઓ. શાખામાં જેમની પાસે આંકડાઓ હોય, એ વ્યક્તિ વોટ્સએપ મારફતે મોકલી શકે એ વિકલ્પ પસંદ કરવાને બદલે આ શાખા કહે છે: આવો કચેરીએ !
ત્યારબાદ, કોમ્પ્યુટર શાખાનો સંપર્ક કરવામાં આવ્યો. અહીંના અધિકારી સારાં માણસ છે. ફરજો સમજે છે, તેમણે કેટલીક જાણકારીઓ આપી. સાથે એમ કહ્યું કે, આંકડાઓ તો રીડર શાખામાંથી જ મળશે. કોમ્પ્યુટર શાખાના અધિકારીએ આપેલી જાણકારીઓ આ રહી: ઈ-FIR કોન્સેપ્ટ સારો છે પરંતુ આ કોન્સેપ્ટ માત્ર મોબાઈલ કે વાહનચોરી જેવા ગુનાઓ પૂરતો જ મર્યાદિત છે.
કેટલાંક લોકો આ પોર્ટલ પર જઈ ઈ-FIR દાખલ કરાવે છે. એમની જરૂરી વિગતો ઓનલાઈન મેળવી લેવામાં આવે છે. ઘણી વખત મોબાઈલ કે વાહન માત્ર ગૂમ થયું હોય છે, ચોરી થઈ હોતી નથી. આથી આ પ્રકારની ફરિયાદ દાખલ થઈ જાય પછી સંબંધિત પોલીસ સ્ટેશન ફરિયાદીને પોલીસ સ્ટેશન પર બોલાવે છે, તેની સાથે વાતચીત કરે છે, પછી જો મામલો યોગ્ય જણાય તો ફિઝિકલ ફરિયાદ દાખલ કરવાનું કહેવામાં આવે છે અને પછી ચોરીના ગુનાની તપાસ થાય છે.
અને, જો કોઈ પ્રવાસી કે સહેલાણીએ ધારો કે પોતાના મોબાઈલ ચોરી અંગે આવી ફરિયાદ દાખલ કરાવી હોય તો, તેણે બાદમાં પોતાના વતનથી જે પોલીસ સ્ટેશન અંતર્ગત ફરિયાદ ઓનલાઈન દાખલ કરાવી હોય તે પોલીસ સ્ટેશનનો સંપર્ક તો ફરીથી ફિઝિકલી કરવો જ પડે છે. ટૂંકમાં, આ કોન્સેપ્ટનું નામ મોટું છે પણ હકીકતમાં આ કોન્સેપ્ટ આ રીતે કામ કરે છે.
દાખલા તરીકે કોઈ તમારાં ઘરમાં ઘૂસી, તમારાં પર હુમલો કરી ભાગી ગયું હોય તો, તેવા કિસ્સાઓમાં તમારે દોડીને પોલીસ સ્ટેશન જવું જ પડે. અથવા, કોઈ મહિલાની છેડતી થઈ હોય કે મહિલાને પતિ-સાસરીયનો ત્રાસ હોય તો પણ, આ પીડિતો ઈ-FIR દાખલ ન કરાવી શકે, ફરિયાદીએ પોલીસ સ્ટેશન તો જવું જ પડે.
























































