Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં પ્રથમ વખત પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામતનો અમલ થયો, તેમાં પણ રાજ્યભરમાં ભાજપાનો જયજયકાર થયો છે. જૂનાગઢ કોર્પોરેશન ઉપરાંત રાજ્યની મોટાભાગની પાલિકાઓ અને પંચાયત બેઠકો પર ભાજપાનો વિજય થયો છે. ચોરવાડમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને જૂનાગઢમાં ભાજપાના પાર્થ કોટેચાની હાર થઇ તેને બે મોટા અપસેટ લેખાવવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં 66 પાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને 2 પાલિકાઓની મધ્યસત્ર ચૂંટણીઓ થઈ. સાથે જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીઓ હતી અને 2 જિલ્લા પંચાયતોની પણ ચૂંટણીઓ થઈ. 66 પાલિકાઓમાં 61 ટકા મતદાન થયેલું જે ગત્ ચૂંટણીઓ કરતાં 3 ટકા ઓછું રહ્યું.
પાલિકાઓની કુલ 1,844 બેઠકો પૈકી 167 બેઠક બિનહરીફ થયેલી. બાકીની 1,677 બેઠક પૈકી 1,200થી વધુ બેઠક પર ભાજપાનો વિજય જાહેર થયો. ભાજપાની કુલ બેઠક 1,236- કોંગ્રેસની 205- આમ આદમી પાર્ટી અને બસપાને 13-13 બેઠક મળી જયારે 122 બેઠક પર અપક્ષો વિજયી થયા છે, આ એક અલગ પ્રકારનું પરિવર્તન સૂચવે છે. જો કે રાજયભરમાં મોટાભાગના લોકેશન પર સતા શાસકપક્ષ પાસે રહેવા પામી છે. કોંગ્રેસ આ ચૂંટણીઓમાં પણ રકાસને વરી છે. તેણે હવે નવેસરથી વિચારવું પડશે.
