Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં નગરપાલિકા તંત્ર અવારનવાર યેન-કેન પ્રકારે વિવાદમાં રહ્યું છે. ખંભાળિયા નગરપાલિકામાં હાલ ચૂંટાયેલી બોડી અસ્તિત્વમાં ન હોય અને ઈન્ચાર્જ ચીફ ઓફિસર તથા વહીવટદાર દ્વારા રગળ-ધગળ વહીવટનું ગાડું ગાબડાવવામાં આવી રહ્યું છે. હાલ પાલિકામાં જાણે કોઈ ધણીધોરી ન હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અગાઉ રસ્તાના મુદે કમનસીબ રહેલી ખંભાળિયાની જનતાએ રોડના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારો સહન કર્યા પછી પણ ગત ચોમાસામાં ધોવાઈ ગયેલા રસ્તાઓએ ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધા પછી હાલ કરોડો રૂપિયાના રોડના કોન્ટ્રાક્ટના કામો અપાઈ ગયા છે. જેનું ચોક્કસ આયોજન વગર એકસાથે કામ હાથ ધરાતાં આ અણધડ વહીવટનો ભોગ ખંભાળિયાના નગરજનો બની રહ્યા છે.
ખંભાળિયા શહેરના ટ્રાફિકથી વ્યસ્ત એવા સ્ટેશન રોડનું કામ તાજેતરમાં પૂર્ણ થયા બાદ ખંભાળિયાના હાર્દસમા નગર ગેઈટ ચોકને સી.સી. રોડથી મઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે. હજુ આ કામ અધૂરું છે, ત્યાં શહેરના અન્ય એક વિસ્તાર તાલુકા પંચાયત કચેરીથી જલારામ મંદિર સુધીના રોડનું કામ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ રસ્તાઓ વાહન ચાલકો-રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલથી નગરપાલિકા દ્વારા અહીંના મહત્વના અને વિવિધ મોટા વેપારી એકમો ધરાવતા જોધપુર ગેઈટ ચોકને નવેસરથી મઢવાના કામ શરૂ કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં શહેરના મહત્વના વિસ્તારોમાં અવારનવાર માટેના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આટલું જ નહિ, અમૂક વિસ્તારમાં આવવા-જવા માટે દુકાનદારો તથા નગરજનોને લાંબી પ્રદક્ષિણા કરવી પડતી હોવાથી નગરપાલિકા તંત્ર સામે ઘેરા રોષની લાગણી જોવા મળી રહી છે.
શહેરમાં આ પ્રકારે નક્કર આયોજન વગર એકસાથે હાથ ધરાયેલા રોડના કામોથી થતી હાડમારી અંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા ભાજપના અગ્રણી કાર્યકર દ્વારા પાલિકા તંત્ર સહિત રોષભેર ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ જાણે નગરપાલિકા તંત્રને આ બાબતથી જાણે કશો ફરક પડતો ન હોય તેમ લાગી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં નગરપાલિકાના અધિકારીઓ- જવાબદારો દ્વારા કોન્ટ્રાક્ટરોની તરફેણ કરવાના બદલે નગરજનોની સુગમતા અને કામોની ગુણવત્તા બાબત લક્ષ્ય લેવું જોઇએ તેમ પ્રબુદ્ધ નાગરિકો ઈચ્છી રહ્યા છે. ત્યારે શહેરમાં એકસાથે આટલા કામો હાથ ધરવાની ઉતાવળ શા માટે??? તેવો પ્રશ્ન પણ ચર્ચામાં છે. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સર્જાયેલી હાલાકીના આ મહત્વના મુદ્દે જિલ્લા કલેકટર તથા પ્રાંત અધિકારી દ્વારા દરમિયાનગીરી કરી અને તાકીદે જરૂરી પગલાં લેવામાં આવે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે.