mysamachar.in-જામનગર
જામનગરની જી.જી.હોસ્પિટલની મહત્વની કહી શકાય તેવી કેટલીય મશીનરીઓ એવી છે કે જેના પાર્ટસ ક્યારેય પણ ખરાબ થાય તો અન્ય રાજ્યોમાંથી અથવા તો વિદેશ થી મંગાવવા પડે છે,અને આવા પાર્ટસ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી દર્દીઓને હાલાકી ભોગવ્યા સિવાય કોઈ છુટકો જ નહિ,તાજેતરમાં જ હોસ્પિટલના સર્જરી વિભાગની બિલ્ડીંગ નો હચમાચવી દે તેવો દર્દીઓની દુર્દશા નો વિડીયો લીફ્ટ કેટલાય દિવસોથી બંધ હોવાના કારણે સામે આવ્યા બાદ હોસ્પિટલની ખાડે ગયેલ વહીવટ નો વધુ એક નમુનો સામે આવ્યો છે,
જી.જી હોસ્પિટલમાં અતિ મહ્તવની કહી શકાય એવી એમઆરઆઈની સેવા વધુ એક વાર ઠપ્પ પડી છે,એમઆરઆઈ મશીન મેઈન્ટેનન્સના અભાવે છેલ્લા પંદર દિવસથી મશીન બંધ પડ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે,જેના કારણે દરરોજ અનેક દર્દીઓએ એમઆરઆઈ માટે ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડી રહી છે,
જી.જી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટનું માનીએ તો, એમઆરઆઈ મશીનમાં સ્પેરપાર્ટસ ખરાબ થતાં વિદેશથી મંગાવવા પડે છે,જેના માટે જરૂરી કાર્યવાહી ગાંધીનગરથી થતી હોય છે,હાલના તબક્કે જીજી હોસ્પિટલ દ્રારા ગાંધીનગર જાણ કરી દેવામા આવી છે,
જેથી હાલ વિદેશથી સ્પેરપાર્ટસ આવે તેની રાહ જોવામા આવી રહી છે,નોંધનીય છે કે, જામનગરની જીજી હોસ્પિટલમાં જે એમઆરઆઈ મશીન છે તે દસેક વર્ષ જૂનું મશીન છે…જેના કારણે વર્ષ દરમિયાન અનેકવાર એમઆરઆઈની સેવા ઠપ્પ થતી જોવા મળી રહી છે,
આમ તંત્ર એ ના માત્ર હોસ્પિટલનું પાર્કિંગ ક્લીયર કરી અને સંતોષ માનવો જોઈએ પણ હોસ્પિટલમાં આજે પણ એમઆરઆઈ મશીન જેવી કેટલીય સુવિધાઓ માટે દર્દીઓ વલખા મારી રહ્યા છે તેના પર પણ નજર કરવી ઘટે અને જયારે આવું થશે ત્યારે જ હોસ્પિટલની સ્થિતિ મા ખરો સુધારો આવ્યો તેમ કહેવાશે.