Mysamachar.in-વડોદરાઃ
'દીકરી, દિકરો એક સમાન' સહિતના અનેક સ્લોગનો હેઠળ બેટી પઢાવો બેટી બચાવોના અભિયાનો ચાલી રહ્યાં છે, જો કે આ અંગેની જાગૃતતા માત્ર કાગળ પર જ હોય એમ લાગી રહ્યું છે, આજેપણ અનેક વિસ્તારમાં દીકરીને તિરસ્કારની નજરે જોવામાં આવી રહી છે, તો દીકરીને જન્મ આપનારી માતાઓ પર ઘરની ચાર દિવાલની અંદર અસહ્ય માનસિક અને શારીરીક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. આ તમામ વાતોની પુષ્ટી કરતી ઘટના બની છે મહિસાગરના ડીટવાસ ગામે, જ્યાં એક માતા એટલી હદે કંટાળી કે ત્રણ-ત્રણ દીકરી સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો. ખેતી કામ કરતાં રમણ ડામોર અને તેમના પત્ની મંગુબેનને લગ્નજીવનમાં 3 પુત્રી જન્મ હતી, જો કે અચાનક મંગુબેને ઘર નજીક આવેલા કુવામાં પહેલા પોતાની 3 માસુમને ફેંકી દીધી અને બાદમાં પોતે પણ કુવામાં ઝંપલાવ્યું. ચારેયનું મૃત્યુ થતા પોલીસે મંગુબેન વિરુદ્ધ હત્યા અને આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તો ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો અને ગામલોકોના ટોળા ઉમટી પડ્યા હતા, સૌપ્રથમ ચારેયના મૃતદેહો બહાર કાઢી પીએમ અર્થે મોકલવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે મૃતકોમાં મંગુબેનની ઉંમર 27 વર્ષ હતી, જ્યારે એક પુત્રીની પાંચ વર્ષ, બીજીની ત્રણ વર્ષ અને ત્રીજી પુત્રીની ઉંમર એક વર્ષ હતી. તો બીજી બાજુ મૃતક મંગુબેનના કાકા ભગવાન ડામોરે આક્ષેપ કર્યો કે અમારી દીકરીને સાસરિયામાં માનસિક ત્રાસ આપતા હતા, થોડા સમય પહેલા ઘરમાં ઝઘડો થતા અમારી દીકરી પીયર આવી ગઇ હતી, બાદમાં અમે સમજાવી પરત મોકલી હતી. પોલીસનું કહેવું છે કે મૃતક મહિલાના પીયરિયા જો ફરિયાદ નોંધાવશે તો સાસરિયા દ્વારા ખરેખર ત્રાસ આપવામાં આવતો હતો કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.