Mysamachar.in-દાહોદ:
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દૂધિયા નજીક હાઈવે પરથી એક ટ્રક અને કાર પસાર થઈ રહ્યા હતા. આ સમયે બંને વાહનો અથડાતા અકસ્માત થયો હતો. જેમાં કારનો કચ્ચણઘાણ થઈ ગયો હતો. આ અકસ્માતમાં મધ્યપ્રદેશના થાંદલા નજીક રહેતા એક પરિવારની કારમાં સવાર કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે થાંદલા તાલુકામાં રહેતા 29 વર્ષીય પ્રેમીલાબેન ડામોર અને બે વર્ષીય નયનાબેન ડામોર એમ બંને માતા-પુત્રીને શરીરે તેમજ હાથે-પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.
આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
























































