Mysamachar.in-મોરબીઃ
સલામત સવારી એસટી અમારીના સ્લોગન સાથે ચાલતી બસોમાં મુસાફરી કરવું હવે અસલામત બની રહ્યું તેમ લાગી રહ્યું છે. મોરબીના વાંકાનેરના ખેરવા ગામ પાસે બે એસટી બસ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, બંને બસમાં સવાર અંદાજે 40 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી, તો એક બસનો ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી, અને ગામલોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી.
પ્રાથમિક વિગત પ્રમાણે મોરબીથી વાંકાનેર વચ્ચે આવતા ખેરવા ગામ નજીક બે એસ.ટી બસ સામ-સામે અથડાઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બસના આગળના ભાગ પડીકું વળી ગયા હતા, તો બસના ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી હતી. આ દરમિયાન બંને બસમાં સવાર 40 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા, કહેવામાં આવી રહ્યું છે કે બસમાં દરરોજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી જેના કારણે ઘાયલોમાં વિદ્યાર્થીઓ વધુ છે. ઘાયલોને સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી,બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ૧૦૮ની ટીમો પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.