Mysamachar.in-મોરબી:
મોરબી જિલ્લામથકે ગત્ રવિવારે સાંજે સર્જાયેલી પુલ તૂટી જવાની ગોઝારી દુર્ઘટના પછી આ કરૂણ બનાવનાં દેશભરમાં પડઘા પડ્યા છે. સુપ્રિમ કોર્ટમાં આ ઘટનાને પગલે એક PIL પણ દાખલ કરવામાં આવી છે. મોરબી ઝૂલતો પુલ હોનારતમાં અત્યાર સુધીમાં કુલ 143 લોકોનાં મરણનાં અહેવાલો વચ્ચે, આજે મંગળવારે બપોર બાદ વડાપ્રધાન ખુદ મોરબીની મુલાકાત લેવાનાં હોય, સમગ્ર દેશમાં હાલ આ દુર્ઘટનાની વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં લોકઆક્રોશ ફૂટી રહ્યો છે.
આ મામલામાં અત્યાર સુધીમાં નવ લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. ખાસ તપાસ સમિતિએ ઘટનાનાં મૂળ સુધી પહોંચવા પ્રયાસો પણ શરૂ કરી દીધાં છે. તે દરમિયાન કાલે સોમવારે સાંજે આ મામલો સુપ્રિમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. સુપ્રિમ કોર્ટનાં વકીલ સુશીલ તિવારીએ સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી માંગણી કરી છે કે, મોરબી હોનારતની તપાસ માટે સુપ્રિમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં ખાસ તપાસ ટૂકડી ‘સીટ’ ની રચના કરવામાં આવે અને સાથેસાથે એ પણ માંગણી કરી છે કે,…
દેશભરમાં આ પ્રકારના સ્થળોએ એકત્ર થતી ભીડને નિયંત્રિત કરવા સંબંધે ચોક્કસ નિયમો બનાવવામાં આવે. આમ હવે આ મામલો નેશનલ મીડિયામાં પણ લાંબો સમય સુધી ગૂંજશે એવું હાલ સમજાઈ રહ્યું છે. બીજી તરફ, આજે મંગળવારે બપોરે વડાપ્રધાન મોદી મોરબીની મુલાકાત લેશે. સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબરઅંતર પૂછશે અને સ્થાનિક અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે એવાં અહેવાલો છે.