mysamachar.in-મોરબી:
જામનગરમાં સંતશ્રી જલારામબાપાની જન્મજયંતિની અનોખી રીતે ઉજવણી કરવા માટે રઘુવંશી સમાજ જાણીતો હોય તેમ ૨૦૦૫માં સંતશ્રી જલારામબાપાની ૨૦૭મી જન્મજયંતિ નિમિતે ૬૪ કિલો અને ૭ ફૂટનો રોટલો બનાવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને જામનગરના રઘુવંશી સમાજે ઇતિહાસ રચ્યો છે,
તેવામાં આજે મોરબી જલારામ મંદિર અને લોહાણા સમાજ દ્વારા પૂજ્ય જલારામબાપાની 219મી જન્મજયંતિ નિમિતે આઠ ફૂટનો રોટલો બનાવી ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.લોહાણા સમાજના અગ્રણી નિર્મિતભાઈ કક્કડના જણાવ્યા મુજબ આ આઠ ફૂટનો રોટલો બનાવવામાં 40 કિલોગ્રામ બાજરીનો લોટ, 10 કિલોગ્રામ શુદ્ધ ઘી, ત્રણ-ત્રણ કિલોગ્રામ કાજુ,બદામ અને કિસમિસ સહિતની સામગ્રી ઉપયોગ કરવામાં આવ્યો છે.
દરમિયાન ગતરાત્રીના વિશાળ કદના પાત્ર ઉપર આ રોટલો બનાવવા માટે 15 થી 20 લોકોએ સતત જહેમત ઉઠાવી આ મહાકાય રોટલો ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ટીમની હાજરીમાં બનાવવાનું શરૂ કરી સુંદર આકર્ષક રોટલો તૈયાર કર્યો હતો અને જલારામબાપાની જન્મજયંતિ નિમિતે આજે સવારે જલારામ મંદિરથી નગરદરવાજા ચોક સુધી રોટલાની શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી અને વિશાળ કદનો રોટલો બનાવવાની સિદ્ધિ મોરબી લોહાણા સમાજના નામે નોંધાઈ હતી.
આમ સમગ્ર ગુજરાતમાં વીરપુરના સંતશ્રી જલારામબાપાની ૨૧૯મી જન્મજયંતિની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવી રહી છે,ત્યારે જામનગર બાદ મોરબીમાં વિશાળ કદનો રોટલો બનાવીને મોરબીના રઘુવંશી સમાજ અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે.