Mysamachar.in-મોરબી:
મોરબીમાં ગત્ રવિવારે ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી ઘટનામાં 143 થી વધુ લોકોનો ભોગ લેવાયો, જેને પરિણામે સમગ્ર રાજ્યમાં શોક અને અરેરાટી વ્યાપી ગયા છે. અને, સરકારે આજે બુધવારે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવી શોકને સત્તાવાર સ્વરૂપ પણ આપ્યું. બરાબર ત્યારે જ, વડાપ્રધાન મોરબીમાં હતાં ત્યારે જ અદાલતમાં જાહેર થયું છે કે, તૂટી પડેલાં પુલનું સમારકામ કરનાર અને સંચાલન કરતી કંપની ટેકનિકલી સજ્જ નથી ! અદાલતે આ અવલોકન પોલીસ રિપોર્ટનાં આધારે કર્યું છે.
આ હોનારતની FIR તથા FSL રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે. FIR માં કંપનીનાં એક પણ ડાયરેકટરનું નામ નથી! પુલનું ઉદઘાટન કરનાર હજુ અદ્રશ્ય છે ! વડાપ્રધાન મોરબી પહોંચ્યા ત્યારે પણ, પુલનો ‘ માલિક’ મોરબીમાં ક્યાંય જોવા ન મળ્યો ! અને, અદાલતમાં કંપનીની નબળાઈઓ છતી થઇ ગઈ.
કાલે મંગળવારે મોરબી હોનારત કેસનાં નવ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે મોરબીની CJM અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. અદાલતે નવ પૈકી ચાર આરોપીઓનાં દસ-દસ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. અદાલતમાં પોલીસે પોતાનો તપાસ રિપોર્ટ અને FSL નો તપાસ રિપોર્ટ રજૂ કર્યો અને આ રિપોર્ટનાં આધારે DySP ઝાલાએ અદાલતમાં કહ્યું: કંપની પાસે કુશળ ઈજનેરો નથી. કંપનીએ સમારકામના નામે માત્ર ફેબ્રિકેશન વર્ક કર્યું છે. જેમાં કોઈ નિષ્ણાંતની સલાહ મેળવવામાં આવી નથી. પુલમાં ઓઈલ કે ગ્રીસ ક્યાંય લગાડવામાં આવ્યા નથી. જ્યાંથી પુલ તૂટ્યો તે વાયર તથા સાંકળ કાટ ખાઈ ગયેલાં હતાં. ત્યાં કચરો ( જંગ) હતો. કંપની આ હોનારતને ભગવાનની ઇચ્છા લેખાવે છે ! પુલની જવાબદારી સંભાળતાં કંપનીનાં મેનેજર દિપક પારેખને એ પણ ખ્યાલ નથી કે, આ પુલ કુલ કેટલું વજન ઉંચકવા સક્ષમ છે ?! કંપનીએ પુલમાં શું શું સમારકામ કર્યું ? તે અંગેનું કોઈ જ રેકર્ડ ઉપલબ્ધ નથી, એમ પોલીસ અદાલતમાં કહે છે !
કોઈ પણ ઓથોરિટી અથવા નિષ્ણાતને પૂછયા વિના જ, કંપનીએ હજારો લોકો માટે આ પુલ ખૂલ્લો મૂકી દીધો ! અને, અંતિમયાત્રાની ટિકીટો ફાડવા માંડી !! આ પ્રકારની વિગતો વિવિધ રિપોર્ટનાં આધારે અદાલત સમક્ષ આવતાં આગામી સમયમાં કંપનીનાં કર્તાહર્તાઓ આસપાસનો કાનૂની ગાળિયો સખત બનશે ?! એવો પ્રશ્ન સર્વત્ર પૂછાઈ રહ્યો છે. લોકોનો આક્રોશ સાતમા આસમાને છે અને સરકાર પણ ભારે દબાણમાં છે. અધૂરામાં પૂરું માથે ચૂંટણી છે ત્યારે આગામી સમયમાં આ કેસમાં શું શું બની શકે છે? તેનાં પર સમગ્ર ગુજરાતના નાગરિકોની નજર છે.