Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત વિધાનસભાનું 3 દિવસનું ટૂંકુ ચોમાસુ સત્ર આવતીકાલે બુધવારથી 3 દિવસ માટે યોજવામાં આવશે, જેમાં સરકાર કુલ 5 વિધેયક રજૂ કરશે અને પસાર કરાવશે. આજે મંગળવારે બપોરે આ સત્રની પૂર્વ તૈયારીઓ માટે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક બપોરે 12:30 કલાકે યોજાશે.
સચિવાલય સૂત્રોએ જાહેર કર્યું છે કે, વિધાનસભાનું આ સત્ર 3 દિવસમાં કુલ 5 સરકારી વિધેયક રજૂ અને પસાર કરશે. જેમાં અંધશ્રધ્ધા અને કાળા જાદુ વિરોધી પગલાંઓ સૂચવતું બિલ, નશાયુકત પીણાંના કેસમાં મુદ્દામાલ તરીકે કબજે લેવાયેલા વાહનોના તાત્કાલિક નિકાલ માટેનું બિલ, લાંચ રૂશવત વિરોધી શાખાને વધુ સતાઓ આપતું બિલ, બિનખેતી માટેના પુરાવાઓને માન્યતા આપવા સંબંધિત સુધારાઓનું એક બિલ તથા ફોજદારી ન્યાયસંહિતા સુધારા વિધેયક પણ આ સત્રમાં રજૂ થશે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ સત્રના માત્ર 3 જ દિવસ રાખવામાં આવ્યા હોય, બિલો સંબંધે પૂરતી ચર્ચાઓ થઈ શકશે નહીં અને ટૂંકા પ્રશ્નોતરી કાળને કારણે વર્તમાન પ્રજાલક્ષી બાબતોની છણાવટ થઈ શકશે નહીં, એમ જણાવી વિપક્ષે ટૂંકા સત્ર બદલ સરકારની ટીકા કરી છે અને વિરોધ વ્યક્ત કર્યો છે.(file image)