Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીઓ અને અધિકારીઓ છે, હવા અને પાણીનું પ્રદૂષણ માપવાની લેબોરેટરી, સાધનો અને વૈજ્ઞાનિકો પણ છે- આ બધાં અધિકારીઓ અને સાધનો જાણે કે કામ ન કરી રહ્યા હોય તેમ, સરકારે હવે નવી વ્યવસ્થા અમલમાં મૂકી. રાજ્યમાં 2 નવી મોબાઈલ વાન વસાવવામાં આવી, જે સ્થળ પર જઈ પ્રદૂષણને ‘પકડી’ લેશે.
સ્વચ્છ હવા સૌનો અધિકાર- આ ફિલોસોફીમાં માનતી સરકારે રૂ. 5.76 કરોડથી વધુના ખર્ચે 2 નવી મોબાઈલ વાન વસાવી છે, જે રાજ્યના 33 જિલ્લાઓમાં ઘૂમશે. જ્યાં પ્રદૂષણ થતું હોય ત્યાં સ્થળ પર જઈ પ્રદૂષણ માપી લેશે અથવા શોધી કાઢશે. અને આ કામગીરીઓના આધારે પ્રદૂષણ ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહીઓ કરવામાં આવશે.
સરકારે જાહેર કર્યું છે કે, રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તાના માપન માટે EDC ફંડમાંથી આ આધુનિક વાન વિકસાવવામાં આવી છે. EDC એવું ફંડ છે જે પ્રદૂષણ ફેલાવનાર ધંધાર્થીઓ પાસેથી દંડ સ્વરૂપે મેળવવામાં આવેલું વળતર એટલે કે નાણાં છે. જેને અંગ્રેજીમાં Environment Damage Compensation કહેવામાં આવે છે.
રાજ્યને 2 ઝોનમાં વિભાજિત કરી આ 2 વાન એક એક ઝોનને આપવામાં આવી છે. આમ 1 વાન રાજ્યના 17 જિલ્લાઓ પર નજર રાખશે. ટૂંકમાં, આ એક સરકારી યોજના છે, જેનો પ્રચાર વધુ થશે અને કામ ભાગ્યે જ થશે. સરકારે એવો દાવો કર્યો છે કે, 15 નવેમ્બરથી 02 ડિસેમ્બર સુધીમાં આ વાને અમદાવાદમાં 6 એવા ઔદ્યોગિક યુનિટ શોધી કાઢ્યા છે, જે પ્રદૂષણ ફેલાવતા હતાં. આ બધાં યુનિટને નોટિસ મોકલવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર દેશ માફક ગુજરાતમાં પણ હવા અને પાણીનું પ્રદૂષણ જાણીતી બાબત છે, લોકોમાં રોષ અને નારાજગીઓ વ્યક્ત થઈ રહી છે. અદાલતો પણ સરકારને ટકોર કરવાથી માંડીને ઠપકા આપવા સુધીના વલણ અખત્યાર કરી રહી છે. આ સ્થિતિઓ વચ્ચે આ વાન એક વધુ ગતકડું પૂરવાર થવાની શકયતાઓ છે. અગાઉ વિવિધ વિભાગ હસ્તક આ રીતે તૈયાર કરવામાં આવેલાં વાહનો પૈકી ઘણાં વાહન રોડ કાંઠે અથવા મેદાનોમાં પડતર પડ્યા છે, ભંગાર બની ગયા છે.


