Mysamachar.in-ગુજરાત:
શરૂઆતના વર્ષોમાં સમગ્ર દેશની સાથેસાથે ગુજરાતના લોકોને પણ મોબાઇલનો બેફામ ઉપયોગ કરવાનું ઘેલું લાગ્યું હતું. હવે પાઘડીનો વળ છેડે આવ્યો છે. હવે સત્તાવાર આંકડાઓ પરથી સાબિત થઈ ગયું છે કે, લોકોને મોબાઇલ ખર્ચ પરવડતો નથી. લોકો ધડાધડ પોતાના સીમકાર્ડનો ઉપયોગ બંધ કરી રહ્યા છે.એક તરફ સરકાર ઈચ્છે છે કે, લોકો પોતાની રોજિંદી જિંદગીમાં વધુને વધુ ડિજિટલ બને અને છેક છેવાડાના માણસ સુધી હાઈ સ્પીડ ઈન્ટરનેટ પહોંચે. બીજી તરફ હકીકત એ છે કે, વધતી જતી મોંઘવારી અને બેરોજગારીને કારણે લોકોને હવે મોબાઇલ તથા નેટ રિચાર્જ ખર્ચ પોસાતા નથી કેમ કે, કંપનીઓ લોકો પાસેથી અબજો રૂપિયા ખંખેરી રહી છે.
ગુજરાતમાં સતત ત્રણ વર્ષથી મોબાઇલનો વપરાશ ઘટી રહ્યો છે. શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં, બધે જ આ સ્થિતિ જોવા મળે છે. સત્તાવાર આંકડાઓ કહે છે: 3 વર્ષ અગાઉ ગુજરાતમાં શહેરોમાં, દર 100 માણસની સામે સીમકાર્ડનો વપરાશ એટલે કે ટેલિ ડેન્સિટી 125.02 હતી જે ઘટીને હવે 115.12 થઈ ગઈ છે. એ જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં આ આંકડો 3 વર્ષ અગાઉ 75.92 હતો તે ઘટીને 70.08 થઈ ગયો છે.
અગાઉ જે પરિવારોમાં પાંચ-સાત સીમકાર્ડ ઉપયોગમાં હતાં ત્યાં હવે ત્રણ-પાંચ કાર્ડથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. આખા દેશની વાત કરીએ તો, મોબાઇલનો વપરાશ કરવાની દ્રષ્ટિએ ગુજરાતનો સમાવેશ ટોપ-5 માં પણ નથી. છેક આઠમા ક્રમે છે, સાત રાજયોમાં ગુજરાત કરતાં વધુ પ્રમાણમાં મોબાઇલનો ઉપયોગ થઈ રહ્યો છે.