Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા શિયાળુ સત્ર ગત અઠવાડિયે તા. 9 ડિસેમ્બર થી બોલાવવામાં આવેલ હતું. શિયાળુ સત્ર દરમ્યાન ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા રાજ્યમાં બોકસાઈટની મોટાપાયે ચોરી થતી હોવાની બાબતે પ્રશ્નો ઉઠાવતાં વિધાનસભામાં પ્રશ્ન દ્વારા માહિતી માંગેલ હતી કે, 15/11/2019 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોકસાઈટની ચોરી અંગે કેટલી લીઝોનું ચેકિંગ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું? આ ચેકિંગ દરમ્યાન કેટલા લીઝ ધારકો દ્વારા, કેટલી ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું? તે અન્વયે જવાબદારો સામે શા પગલા લેવામાં આવ્યા, ઉપરોક્ત બાબતે પ્રશ્નના જવાબમાં ખાણખનીજ મંત્રીએ જણાવવામાં આવેલ હતું કે કુલ ૩૪ લીઝો ધારકોની લીઝોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 6 લીઝ ધારકો દ્વારા રૂ. 4185.27 લાખની ખનીજ ચોરી થયાનું સામે આવેલ છે. જે પૈકી 1 લીઝ ધારક પાસેથી રૂ.13.04 લાખની દંડકીય વસૂલાત કરવામાં આવેલ છે. 4 લીઝ ધારક સામે રૂ. 3468.60 લાખ ની દંડકીય વસુલાત અંગેના સરકારે હુકમો કરવામાં આવેલ છે. અને 1 લીઝ ધારક સામે રૂ. 703.62 લાખની દંડકીય વસુલાત અંગે કારણદર્શક નોટિસ આપેલ હોવાનો જવાબ માડમને વિધાનસભામાં મળ્યો છે.