Mysamachar.in:જામનગર
ગુજરાતનું સરકારી રજાઓનું કેલેંડર અધિકારીઓ તથા કર્મચારીઓમાં ખૂબ જ લોકપ્રિય હોય છે ! કેમ કે, મોટેભાગે તેઓની નજર આ કેલેંડર પર જ હોય છે. કેમ કે, વર્ષ દરમિયાન મળતી જાહેર રજાઓ અને તેમાં આગળ પાછળ અન્ય રજાઓ તથા ગુટલીઓ સેટ કરી, વર્ષ દરમિયાન મિની વેકેશનો મેળવી લેવામાં આ બાબુઓ મહારત ધરાવતાં હોય છે. જેને કારણે રાજયભરમાં લાખો અરજદારો હાલાકીઓ વેઠવા મજબૂર બની જતાં હોય છે. હાલ પણ આવો જ માહોલ છે.
જામનગરમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયત ઉપરાંત સેંકડો સરકારી કચેરીઓમાં હાલ મિની વેકેશનનો માહોલ છે ! આમ તો સાતમઆઠમના તહેવારો દરમિયાન સત્તાવાર રજા માત્ર એક જ હતી જન્માષ્ટમીએ. પરંતુ જન્માષ્ટમી ગુરુવારે હતી અને આવતીકાલે રજાનો બીજો શનિવાર છે. તેથી ઘણાં અધિકારીઓ અને કર્મચારીઓએ અગાઉથી આજે શુક્રવારની રજા સેટ અને મંજૂર કરાવી લીધી હતી અને ગૂટલીબાજો તો પોતાની હેસિયત મુજબ રજાઓ સેટ કરી લેતાં જ હોય છે ! જેને પરિણામે કચેરીઓમાં ટેબલખુરશીઓ ખાલી ખાલી દેખાઈ રહી છે. બુધવારે બપોર બાદ ખાલી થઈ ગયેલી કચેરીઓ હવે છેક સોમવારે ભરી ભરી દેખાશે !
સંખ્યાબંધ અધિકારીઓ અને કર્મચારીઓએ ગુરુવારથી રવિવાર સુધીની રજાઓની ફોર ફટકારી દીધી છે. પ્રવાસે નીકળી ગયા છે. મોટાભાગની કચેરીઓ ચાર દિવસ બાદ સોમવારે છેક ધમધમશે ! હજારો અરજદારો પડતર કામો માટે ઉમટી પડશે. જો કે સોમવારે પણ મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મિટીંગોમાં વ્યસ્ત હોવાના કારણો અને બહાનાઓ દેખાડી અરજદારોને વધુ એક ધક્કો ખવડાવશે એવું સમજાઈ રહ્યું છે ! કચેરીઓનાં મિની વેકેશનો અરજદારો માટે બહુ આકરાં પૂરવાર થતાં હોય છે.