Mysamahar.in-અમદાવાદ:
કરોડો નિર્દોષ લોકોના આરોગ્ય અને જિવન સાથે જે ધંધાર્થીઓ અથવા અન્ય કેટલાક તત્વો ચેડાં કરતાં હોય, એમને ખરેખર તો વર્ષો સુધી જેલમાં ગોંધી રાખવા જોઈએ અને નાની યાદ આવી જાય એવી કડક સજાઓ થવી જોઈએ, એવું સમગ્ર ગુજરાતના કરોડો લોકો ઈચ્છે છે પરંતુ ગરવી ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ભેળસેળ અને નબળી ક્વોલિટીના પદાર્થોને ગંભીરતાથી લેવામાં આવતાં નથી, સરકાર કોના લાભાર્થે ‘હળવા’ કાયદાઓ દાયકાઓથી ચલાવી રહી છે, એવો સીધો જ પ્રશ્ન લોકોમાંથી પૂછાઈ રહ્યો છે.
સરકાર ખુદ આવા તત્વો પ્રત્યે નરમાશથી પેશ આવી રહી હોય, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના રાજ્ય સરકારના અધિકારીઓ અને મહાનગરોના ફુડ અધિકારીઓ સરકાર કરતાંયે વધુ હળવાશ દેખાડી, આ ગંભીર અને સંવેદનશીલ બાબતમાં અંગત લાભોમાં આળોટી રહ્યા છે, જેને કારણે સમગ્ર ગુજરાતમાં સ્થિતિઓ અત્યંત ગંભીર બની ચૂકી છે.
કેટલાંક આંકડાઓ બહાર આવ્યા છે: ગુજરાતમાં પાછલાં 1,500 દિવસ દરમ્યાન દૂધના 3,000થી વધુના નમૂનાઓ ગુણવત્તા પરીક્ષણમાં fail થયા. મતલબ, આપણે ઉંચા દામ ચૂકવીને, જે દૂધ ખરીદી રહ્યા છીએ એ દૂધ ગરવી ગુજરાતમાં ‘અમૃત’ નથી. કલ્પના કરો, નાના બાળકો અને જે બિમાર તથા સ્વસ્થ લોકોના પેટમાં આવું દૂધ જતું હશે, એમની હાલત કેવી થતી હશે ? નાણાં ખર્ચી ‘ઝેર’ ખરીદવું અને આંતરડામાં ઠાલવવું ! ખરેખર તો લોકોની લાગણીઓ એવી છે કે, ચૂંટાયેલા લોકોએ ખાદ્ય પદાર્થોની શુદ્ધતા સંબંધે સરકાર સમક્ષ ગંભીરતાથી વાત કરવી જોઈએ અથવા સરકાર પર જન આરોગ્ય માટે દબાણ લાવવું જોઈએ.
ઉલ્લેખનિય છે કે, આ પ્રકારની ભેળસેળ કે નબળી ગુણવત્તા અથવા વાસી કે અખાદ્ય પદાર્થો બાબતે કોઈ જ ધંધાર્થીઓ વિરુદ્ધ આખા ગુજરાતમાં કયાંય દાખલારૂપ કાર્યવાહીઓ થતી નથી, આથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને સરકારથી ખૂબ નારાજ પણ છે.


























































