Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે જાણે મેઘરાજાએ રૌદ્ર રૂપ દેખાડ્યું હોય તેમ પ્રારંભથી જ વરસી રહેલા ભારે વરસાદ બાદ હાલ ભાદરવા મહિનામાં પણ નોંધપાત્ર, મુશળધાર વરસાદ વરસી જતા ઠેર-ઠેર હાલકીભર્યા દ્રશ્યોનું નિર્માણ થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદે ખાના-ખરાબી જેવા દ્રશ્યોનું નિર્માણ કર્યું છે. હાલ જિલ્લામાં તેર ઈંચ સુધી ખાબકેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે.
-વધુ સાડા બાર ઈંચ વરસાદથી જિલ્લામાં ખંભાળિયા મોખરે: મેઘરાજાએ સદી ફટકારી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં છેલ્લા વર્ષોમાં દર વર્ષે નોંધપાત્ર વરસાદ વરસે છે. આ વર્ષે પણ ચોમાસાના પ્રારંભના પ્રથમ મહિને જ અંદાજે 50 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ત્યારબાદ પણ અવિરત રીતે ભારે વરસાદ ચાલુ રહેતા હાલ સમગ્ર ગુજરાતમાં ખંભાળિયા તાલુકો ભારે વરસાદમાં અગ્રક્રમે રહ્યો છે. અને આજે તાલુકાનો કુલ વરસાદ સો ઈંચ સુધી પહોંચી ગયો છે.ખંભાળિયા તાલુકામાં શનિ-રવિવારે બે દિવસથી ભારે વરસાદ અવિરત રીતે વરસ્યો હતો. શનિવારે ચાર ઈંચ બાદ રવિવારે પણ આખો દિવસ અતિભારે વરસાદ વરસતા સાડા આઠ ઈંચ પાણી વરસી ગયું હતું. ગઈકાલે રવિવારે ગાજવીજ તથા રાત્રીના વીજળી સાથે વરસેલા ભારે વરસાદે લોકોમાં ભયનો માહોલ પ્રસરાવી દીધો હતો. છેલ્લા બે દિવસ દરમિયાન ખંભાળિયા તાલુકામાં 307 મીમી વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદ બાદ ખંભાળિયા તાલુકાનો મોસમનો કુલ વરસાદ 100 ઈંચ સુધી (2486 મીમી) થયો છે. મોસમનો કુલ સરેરાશ વરસાદ કરતાં 348.18 ટકા જેટલો છે.
-ગ્રામ્ય વિસ્તારોમાં પણ મૂશળધાર વરસાદથી વ્યાપક નુકસાની
ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાસ કરીને ગઈકાલે રવિવારે અતિભારે વરસાદ વરસ્યો છે. ખંભાળીયા જામનગર માર્ગ પરના માંઢા, સિંહણ, વાડીનાર, તથા ભરાણા આસપાસના ગામોમાં સાત થી આઠ ઈંચ સુધી જ્યારે ભાણવડ રોડ પરના તથીયા, લલીયા, માંઢા, વિગેરે ગામોમાં પણ નવ ઈંચ સુધીના મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ ઉપરાંત દ્વારકા પટ્ટીના ગામોમાં પણ સચરાચર પાંચ થી સાત ઈંચ સુધીના નોંધપાત્ર વરસાદના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગઈકાલના ભારે વરસાદના કારણે જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આટલું જ નહિ, તરબતર બની રહેલા વાડી- ખેતરોમાં ગઈકાલના આ ભારે વરસાદે ખાના ખરાબી જેવા દ્રશ્યો ખડા કર્યા હતા. જિલ્લાના અનેક ખેતરોમાં પાણી ભરાતા ઊભા મોલ મૂરઝાઇ રહ્યા હોવાનું પણ ગ્રામજનો દ્વારા જાણવા મળેલ છે.
ખંભાળિયા તાલુકાના આહીરસિંહણ સહિતના કેટલાક ગામોના માર્ગો પરથી ભારે પુર વહેવા લાગતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી આશરે એક દાયકા પહેલા ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 110 ઈંચ જેટલો રેકોર્ડબ્રેક વરસ્યો હતો. હાલની પરિસ્થિતિમાં મેઘરાજા જો આ જ રીતે મંડાશે તો ખંભાળિયાનો અગાઉનો રેકોર્ડ પણ તૂટશે અને ખંભાળિયા તાલુકાને પુનઃ ચેરાપુંજીની ઉપમા મળશે.
-ભાણવડ તાલુકામાં વધુ નવ ઈંચ વરસાદ ખાબક્યો
ભાણવડ તાલુકામાં જિલ્લાનો ટકાવારી પ્રમાણે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભાણવડ પંથકમાં આ વર્ષે પણ ભારે વરસાદ રૂપે 91 ઈંચ સાથે 360 ટકા પાણી વરસી ગયું છે. ભાણવડ તાલુકામાં શનિવારે 33 મિલીમીટર બાદ ગઈકાલે રવિવારે વધુ સાડા સાત ઈંચ 188 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આ સાથે બે દિવસ દરમિયાન 221 મિલીમીટર, નવ ઈંચ પાણી વરસી ગયું હતું. આમ ભાણવડ તાલુકામાં મોસમનો કુલ વરસાદ 2274 મિલીમીટર નોંધાયો છે.
-કલ્યાણપુર તાલુકામાં 88 ઈંચ વરસાદ ખાબક્યો
છેલ્લા બે દિવસ દરમિયાન કલ્યાણપુર પંથકમાં પણ મેઘરાજાએ જાણે કહેર વરસાવી હોય તેમ બે દિવસ દરમ્યાન આઠ ઈંચ વરસાદ વરસી ગયો હતો. કલ્યાણપુર તાલુકામાં શનિવારે એક ઈંચ બાદ રવિવારે ભારે વરસાદ રૂપે વધુ સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ, શનિવારે તથા રવિવારે મળી કલ્યાણપુર તાલુકામાં કુલ 197 મિલીમીટર વરસાદ વરસી ગયો હતો. આ સાથે 88 ઈંચના 2212 મિલીમીટર વરસાદ સાથે કલ્યાણપુર તાલુકાનો મોસમનો કુલ વરસાદ 295 ટકા સુધી પહોંચી ગયો છે.
-દ્વારકામાં પણ બે દિવસ દરમિયાન પાંચ ઈંચ વરસાદ વરસ્યો
ગુજરાતના છેવાડાના વિસ્તાર એવા દ્વારકા તાલુકામાં અન્ય વિસ્તારો પ્રમાણમાં દર વરસે ઓછો વરસાદ વરસે છે. આ વર્ષે પણ દ્વારકા તાલુકામાં મોસમનો કુલ વરસાદ બાવન ઈંચ થયો છે. શનિવારે ચાર ઈંચ બાદ ગઈકાલે રવિવારે વધુ એક ઈંચ વરસાદ વરસતા બે દિવસ દરમ્યાન 129 મિલીમીટર પાણી વરસી ગયું હતું. આ સાથે દ્વારકા તાલુકાનો મોસમનો કુલ વરસાદ 1296 મિલીમીટર સાથે 280 ટકા સુધી થયો છે.
હાલ ગત મોડી રાત્રીથી મેઘરાજાએ જાણે પોરો ખાધો હોય તેમ વરસાદી બ્રેક રહી હતી. જોકે મેઘાવી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. હાલની અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં મેઘરાજા ખમૈયા કરે તેમ ખાસ કરીને ધરતીપુત્રો સાથે જિલ્લાની જનતા ઈચ્છી રહી છે.