Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિતના સમગ્ર હાલારમાં વાતાવરણ વરસાદી જોવા મળી રહ્યું છે, ગુજરાતી વર્ષના અંતિમ માસ આસોમાં પણ અષાઢી માહોલ છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં અને રાજ્યભરમાં ગમે ત્યાં, ગમે ત્યારે મેઘરાજા બઘડાટી બોલાવી દેશે- એવી આગાહી છે.
રાજ્યના હવામાન વિભાગના કહેવા અનુસાર, રાજ્યમાં હજુ આગામી 4 દિવસ નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખંભાતના અખાત લો માર્ક પ્રેશર સિસ્ટમ ડેવલપ થયેલી જોવા મળી રહી છે. વરસાદની આ સિસ્ટમ આગામી 3-4 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે.
આ સાથે જ હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોએ દરિયો ન ખેડવો એવી સૂચનાઓ પણ જાહેર કરી છે. આગામી ચાર દિવસ દરમ્યાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે. ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત ગીર સોમનાથ, અમરેલી વગેરે જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા 48/50 કલાકથી હાલાર સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. વિવિધ વિસ્તારોમાં 3 થી 8 ઈંચ સુધીનો વરસાદ ત્રાટક્યો છે. જામનગર સહિત રાજ્યમાં અનેક જગ્યાઓ પર આ અનિશ્ચિત વાતાવરણને કારણે હજારો નવરાત્રિ આયોજકોએ વરસાદની દહેશત અને નુકસાન વેઠવા પડ્યા છે. લાખો ખેલૈયા યુવક યુવતિઓ નિરાશ થયા છે. મુંબઈની સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાતનું વાતાવરણ પણ અષાઢી બની ગયું છે.