Mysamachar.in-આણંદ
હમણાં હમણાં એટીએમ તોડવાના પ્રયાસો તેમજ ATM મશીનોમાંથી ચોરી થવાની ઘટનાઓ વધવા લાગી છે, તેવામાં આણંદ શહેર પાસેના નાવલી ગામે છ દિવસ અગાઉ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું ATM તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. જેમાં આણંદ ગ્રામ્ય પોલીસે ATM તોડનારા ઉત્તરપ્રદેશના શખ્સને ઝડપી પાડ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછમાં યુ ટ્યુબ પરથી ATM તોડવાની રીત જાણીને તેણે ગુનો કર્યો હતો. બે દિવસ બાદ એક શખ્સ ATM પાસે આવીને કંઈ શોધી રહ્યો હોવાનું અને તે અજાણ્યો હોવાની જાણ પોલીસને સ્થાનિક દ્વારા થતાં પોલીસની એક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી શકમંદને ઝડપી નામ-ઠામ પૂછતાં આસીફરઝા રહેબરઅબ્બાસ સૈયદ ઉત્તરપ્રદેશનો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે સઘન પૂછપરછ કરતાં તેણે કબુલાત કરતાં જણાવ્યું હતું કે, ગત ત્રીજીએ તેણે ATM તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાત્રિના સમયે સાઈરન વાગતાં અને પોલીસ આવી પહોંચતા જ તે દિવાલ કૂદીને ભાગ્યો હતો. દરમિયાન ભાગતી વખતે તેનો મોબાઈલ નીચે પડી ગયો હતો. પોલીસ કે પછી અન્ય કોઈના હાથમાં તેનો મોબાઈલ ન આવે અને તે પકડાઈ ન જાય તે માટે મોબાઈલ લેવા પાછો આવ્યો હતો. હાલમાં પોલીસે આ ગુનામાં તેની ધરપકડ કરી તે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે સંદર્ભે વધુ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસે શખ્સ પાસેથી મોબાઈલ ઈલેક્ટ્રીક ગ્રાઈન્ડર, કટીંગ મશીન, લોખંડનો હથોડો, પાના પક્કડ, લોખંડની છીણી, અર્ધ વપરાયેલ સેલોટેપ, વાયરનો ટુકડો, મોબાઈલ કબ્જે લીધો હતો. પોલીસ તપાસમાં તે ગત 21મી જૂનના રોજ પ્રથમ વખત ગુજરાતમાં અને તે પણ ચોરીના ઈરાદે જ આવ્યો હતો. ચોરી કર્યા બાદ યુપી જતા રહેવાની ફિરાકમાં હોવાનું કબૂલ્યું હતું.પણ તેનો મનસુબો પાર પડે તે પૂર્વે જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.