Mysamachar.in-મોરબીઃ
થોડા સમય પહેલા જ જામનગરમાં એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી હતી, જો કે તંત્ર દ્વારા તેની પોલ ખોલી લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની સલાહ આપી હતી, પરંતુ ફરી એકવાર મોરબી જિલ્લાના પીપળિયા ગામે એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતાં આસપાસના ગામના લોકોમાં ભારે કુતુહલતા સર્જાઇ છે. મુછડિયા કાંતિલાલ નામના આ વ્યક્તિનો દાવો છે કે તેણે તેના ગુરુને વચન આપ્યું હતું કે જ્યારે બોલાવશે ત્યારે તે તેમની પાસે આવી જશે, હવે ગુરુએ સપનામાં આવી બોલાવ્યો છે, આથી હું મારા ગુરુના વચનથી બંધાયેલો છું અને આગામી માગશરી બીજ ગુરુવારે એટલે કે 28 નવેમ્બરે સમાધિ લઇશ. વાયુવેગે ફેલાયેલા આ સમાચારથી પોલીસ અને વિજ્ઞાનજાથા પણ સક્રિય થઇ ગયા છે.
કાંતિલાલે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતો એક પત્ર લખ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે. પત્રમાં કાંતિલાલે જણાવ્યું કે તેઓ જીવલેણ બીમારીથી પીડાતા હતા, ત્યારે તેમના પરદાદા નોંધાણા સાહેબે તેમને સપનામાં આવી કીધું કે હું તને જે રસ્તો બતાવું, તે રસ્તે તુ ચાલ, હું તને જીવતદાન આપીશ. પરંતુ, તે માટે તારે બધા વ્યસનોને તિલાંજલિ આપવી પડશે અને ધર્મ ભક્તિના માર્ગે ચાલવું પડશે અને હું કહું એટલે તારે જીવન છોડી મારી પાસે આવવું પડશે. ત્યારબાદ હવે તેમનો આદેશ આવી ગયો છે. પત્રમાં તેઓએ સમાધિ લેવા માટે સરકાર પાસે જમીન માગી છે, જો જમીન નહીં આપવામાં આવે તો તેઓ કાપડની આડસ કરી 28 તારીખે સવારે 9.30થી 9.45ના સમય દરમિયાન જીવતા સમાધી લેશે.
વિજ્ઞાનજાથાએ ભાંડો ફોડવાની કરી જાહેરાત
કાંતિલાલની સમાધિની જાહેરાતથી વિજ્ઞાન જાથા અને મોરબી પોલીસ સતર્ક બની છે. આ અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું કહેવું છે કે ભૂતકાળમાં કાંતિલાલ હીરા ઘસતો હતો, કાંતિલાલ માનસિક બીમારી છે. મને ગ્રામજનોનો કાંતિલાલ વિરુદ્ધ અરજી મળી છે. આથી મોરબી પોલીસ સાથે રાખી આગામી બે દિવસમાં કાંતિલાલનું સત્ય ઉજાગર કરવામાં આવશે. સાથે જ લોકો આ પ્રકારના પાંખડથી દૂર રહેવા માહિતી આપવામાં આવશે. તો મોરબી પોલીસ દ્વારા કાંતિલાલ પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે. મોરબીમાં જીવતા સમાધિની જાહેરાતથી લોકોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે.