Mysamachar.in-દેવભૂમી દ્વારકાઃ
રાજ્યમાં જાણે કે સરકારી પરીક્ષાને ગ્રહણ લાગી ગયું છે તેમ એક પછી એક પરીક્ષા વિવાદમાં સપડાઇ રહી છે. તો અનેક વિવાદો થયા બાદ પણ ફરી LRD ભરતીનો વિરોધ ઉઠ્યો છે. છેલ્લા કેટલાક સમયથી માલધારી સમાજ દ્વારા વિવિધ જિલ્લાઓમાં આવેદન આપી LRD પરીક્ષામાં અન્યાય થયો હોવાની રજૂઆતો કરવામાં આવી રહી છે. દેવભૂમી દ્વારકામાં પણ માલધારી સમાજે જિલ્લા પંચાયત બહાર ગરબે રમી અને ક્લેક્ટરને આવેદન આપી અનોખી રીતે વિરોધ કર્યો હતો. આ રજૂઆત દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકો હાજર રહ્યાં હતા.
દેવભૂમી દ્વારકા ખાતે રજૂઆત કરવા આવેલા માલધારી સમાજે સૌપ્રથમ જિલ્લા સેવા સદનના પટાંગણમાં ગરબે રમવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે સરકાર ગરબે રમાડવા માગે છે અને અધિકારો દેવા માગતી નથી. વર્ષ 1956થી મળેલા જાતિના અધિકારોની અવગણના કરી LRD પરીક્ષામાં 125 જેટલા ઉમેદવારોને અન્યાય કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થોડા સમય પહેલા જ યોજાયેલી લોક રક્ષક દળ LRDની ભરતીમાં ગીર, બરડો અને આલેચના માલધારી યુવાનોએ એસ.ટીના હક્કોના આધારે પરીક્ષા આપી હતી. પરંતુ પરિણામમાં માલધારી સમાજના પરીક્ષાર્થીઓને બાકાત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ થઇ રહ્યાં છે. આ મામલે ગુજરાતનાં 22 જીલ્લામાં અને 61 તાલુકામાં માલધારી વિકાસ સંગઠનના આદેશ બાદ વિરોધ કરવામાં આવી રહ્યો છે.