Mysamachar.in:પોરબંદર
ગુજરાત ATSને આરોપી મોડ્યુલ શોધી કાઢવામાં મોટી સફળતા મળી હોવાનો દાવો રાજ્યનાં પોલીસવડા દ્વારા થયો છે. અને આ સફળતા અનુસંધાને ગૃહરાજ્યમંત્રીએ ATS ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચ વગેરેને અભિનંદન આપ્યા છે. ATS દ્વારા એક મહિલા સહિત કુલ 4 ની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી 3 શખ્સો શ્રીનગરનાં અને આ મહિલા દક્ષિણ ભારતીય હોવાનું જાહેર થયું છે.
ATS દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ ચારેય આરોપીઓ ISKP નામનાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે. DGP વિકાસ સહાયે આ મુદ્દે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ ચારેય ગુજરાતથી અફઘાનિસ્તાન અને ત્યાંથી ઈરાન જતાં રહેવાનો મનસૂબો ધરાવતાં હતાં. આ આરોપીઓ ગુજરાતમાં આતંકી કૃત્ય કરવાની તૈયારીમાં હતાં. તેઓનાં લેપટોપ, મોબાઈલ અને ટેબલેટમાંથી ઘણી બધી વિગતો મળી આવી છે. જેમાં એક એવો વીડિયો પણ મળી આવ્યો છે જે આતંકી કૃત્ય પછી જાહેર કરવામાં આવનાર હતો.
DGPએ જણાવ્યું છે કે, આરોપી મહિલા સુમેરા ઉપરાંત શ્રીનગરનાં 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ત્રણ શખ્સો શ્રીનગરનાં અને આ મહિલા તામિલનાડુની હોવાનું જાહેર થયું છે. આ ઉપરાંત ઝુબેર નામનાં એક શખ્સની ATS દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહિલા સહિતનાં આ ચારેય આરોપીઓને પોરબંદરની અદાલતમાં રજૂ કરવામાં આવશે. આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપીઓ ગુજરાતથી અફઘાનિસ્તાન જવાની પેરવી કરી રહ્યા હતાં તે દરમિયાન ATS નાં હાથમાં ઝડપાઇ ગયા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, છેલ્લાં કેટલાંક મહિનાઓથી આ આરોપીઓ પર ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની નજર હતી જ. આખરે આ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
DGPએ એમ પણ જણાવ્યું હતું કે, ત્રણ પુરૂષ આરોપીઓની ધરપકડ સુરતથી કરવામાં આવી છે. જ્યારે સુમેરા નામની મહિલા આરોપીને સુરતથી પકડી લેવામાં આવી છે. આ મહિલા સુરત આવી એ પહેલાં કન્યાકુમારી (તામિલનાડુ) ખાતે રહેતી હતી. પોરબંદરથી શ્રીનગરનાં જે ત્રણ આરોપીઓ ઝડપાયાં છે તેમનાં નામો ઉમેદ નાસિર, મોહમ્મદ હાજિમ શાહ અને હનાન હયાત શોલ છે. સુરતથી ડિટેઈન કરવામાં આવેલી સુમેરા નામની મહિલાનું આખું નામ સુમેરાબાનુ મોહમ્મદ સૈયદ મલિક હોવાનું જાહેર થયું છે. ATS શ્રીનગરનાં અન્ય એક આરોપી ઝુબેર અહેમદ મુન્શીની શોધખોળ ચલાવી રહી છે.
DGPએ એમ પણ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠેથી આ આરોપીઓ અફઘાનિસ્તાન અને ત્યાંથી ઈરાન જવાનાં હતાં અને ત્યાં તાલીમ મેળવી અન્ય કોઈ દેશમાં આતંકી હુમલો કરવાની યોજના ધરાવતાં હતાં. તે દરમિયાન ઝડપાઈ ગયા છે. ISIS જુદાં જુદાં સંગઠનોનો સમૂહ છે, જેમાં ISKP જૂથનો પણ સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓ ISKP સાથે સંકળાયેલા છે. ISISની માફક ISKP પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકી સંગઠન છે.