Mysamachar.in-ગુજરાત:
મહાદેવ બેટિંગ એપ, રૂપિયા 6,000 કરોડનો ખેલ અને આ મહાજૂગારી સૌરભ ચંદ્રાકરના વૈભવી લગ્નમાં જામનગરના વેડિંગ પ્લાનર યોગેશ પોપટનો રોલ- આ બધી જ બાબતો અંગે, પ્રથમ ચાર્જશીટમાં વિગતો આપવામાં આવી છે. તપાસ એજન્સી EDએ આ સટ્ટાકાંડમાં પ્રથમ ચાર્જશીટ રજૂ કરી દીધું છે. જેમાં હાલ 14 આરોપીઓના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી મુખ્ય 10 આરોપીઓના નામોની સતાવાર જાહેરાત થઈ છે. બાકીના 4 નામો કદાચ એટલે જાહેર કરવામાં ન આવ્યા હોય કેમ કે, તપાસને અસરો પહોંચી શકે. આગામી સમયમાં ED દ્વારા પૂરવણી ચાર્જશીટ ફાઇલ થઈ શકે છે. ત્યારે કદાચ બધાં જ આરોપીઓના નામોની જાહેરાત થશે.
આ ચાર્જશીટ કહે છે: સમગ્ર કૌભાંડનો આંકડો રૂપિયા 6,000 કરોડનો આંક ક્રોસ કરી શકે છે. કહેવાયું છે કે, મુખ્ય આરોપી સૌરભના દૂબઈ ખાતે જે ભપકદાર મેરેજ થયેલાં તેમાં રૂપિયા 141 કરોડનો રોકડેથી ખર્ચ થયો હતો. જે પૈકી રૂપિયા 106 કરોડની રકમ વેડિંગ પ્લાનર યોગેશ પોપટને ચૂકવવામાં આવેલી. જામનગરના વતની અને મુંબઈ ખાતે વસવાટ અને બિઝનેસ ધરાવતાં પોપટને આ રકમ કુલ ત્રણ હવાલાથી આપવામાં આવેલી. આ હવાલાઓ ભારત ઉપરાંત દૂબઈ ખાતે પડ્યા હતાં.
EDએ આટલાં મોટાં અને આંતરરાષ્ટ્રીય કૌભાંડ અંગેનું ચાર્જશીટ પ્રમાણમાં ખૂબ ઝડપથી રજૂ કર્યું હોય, મીડિયાકર્મીઓ અચરજ અનુભવી રહ્યા છે. આ ચાર્જશીટના પેઈજની સંખ્યા 8,887 હોવાનું કહેવાય છે. જેમાં આરોપીઓ તરીકે સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ સહિત કુલ 14 આરોપીઓના નામો છે. આ ચાર્જશીટ છત્તીસગઢના પાટનગર રાયપુરની PMLA કોર્ટમાં દાખલ થયું છે.
યોગેશ પોપટએ EDને જણાવ્યું કે,સૌરભ ભારત સરકારને લગ્ન ખર્ચ સંબંધે 18 ટકા GST આપવા ઈચ્છતો ન હતો તેથી વિકાસ છાપરીયા ઉર્ફે ચીકુ નામના શખ્સે આ રૂપિયા 106 કરોડ રોકડાના હવાલાની જવાબદારીઓ લીધી.ચીકુ સૌરભના નાણાં શેરબજાર તથા રિઅલ એસ્ટેટમાં રોકે છે. યોગેશ પોપટને રૂપિયા 106 કરોડ હવાલાથી મળેલા છે તે પૈકી 65 કરોડનો હવાલો દૂબઈમાં અને 41 કરોડનો હવાલો ભારતમાં પાડવામાં આવેલો.