Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં ઘણાં લાંબા સમયથી મતદારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની રાહ જોઈ રહ્યા છે. રાજ્યના ચૂંટણીપંચે ચૂંટણીઓની જાહેરાત કરી પરંતુ તે અધકચરી છે, નાના મોટાં શહેરોમાં ચૂંટણીઓ યોજાશે પણ હજારો ગ્રામ પંચાયતોને હાલ આ ચૂંટણીઓમાંથી બાકાત રાખવામાં આવી છે. એમ કહેવાયું છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં 27 ટકા OBC અનામત અંગેની કામગીરીઓ પૂર્ણ થયા બાદ ત્યાં પણ ચૂંટણીઓ યોજવામાં આવશે. આગામી 16મી ફેબ્રુઆરીએ મતદાનનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે, અને જ્યાં જ્યાં ચૂંટણીઓ જાહેર થઈ છે તે તમામ વિસ્તારોમાં મતદારોની કુલ સંખ્યા 38.86 લાખ જાહેર થઈ છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નને કાલે મંગળવારે ચૂંટણીઓની જાહેરાત કરતાં જણાવ્યું કે, જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત માટે આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજવામાં આવશે. મતગણતરી 18 ફેબ્રુઆરીએ યોજાશે. આ તમામ વિસ્તારોમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.
જે પાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં આ ચૂંટણીઓ થઈ રહી છે, ત્યાં 27 ટકા OBC અનામત બેઠક વ્યવસ્થાઓ અમલમાં આવશે. કુલ 2,178 બેઠકો પર મતદાન થશે. આ સાથે જ, પાલિકાઓ અને પંચાયતોની જે અન્ય 124 બેઠકો હાલ ખાલી છે, ત્યાં પેટાચૂંટણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં શાસકપક્ષ માટે વાતાવરણ કાયમ સારૂં રહેતું આવ્યું છે. જો કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હાલ જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ શાસકપક્ષ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી પક્ષના નવા વડાઓની નિમણૂંકો પણ થઈ નથી. આ નિમણૂંકો હજુ પણ પાછી ઠેલાય તેવી સંભાવનાઓ છે.
જાહેર થયેલી ચૂંટણીઓમાં 1 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્રો દાખલ થઈ જશે. મતદાન 16 અને ગણતરી 18 ફેબ્રુઆરીએ છે અને આ તમામ બેઠકો પર મતદારોની કુલ સંખ્યા 38.86 લાખ છે. અલગઅલગ કારણોસર, ઘણી બધી પાલિકાઓમાં પણ હાલ ચૂંટણીઓ જાહેર કરવામાં આવી નથી. ચૂંટણીપંચ કહે છે: OBC અનામત અંગેનો ઝવેરી પંચનો રિપોર્ટ અમોને દોઢ મહિના અગાઉ જ મળેલ હોય, ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હાલ જાહેર કરવામાં આવી નથી. આ માટેની કેટલીક કામગીરીઓ હજુ થઈ રહી છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ચૂંટણીઓના આ દિવસોમાં લગ્નોની સિઝન પણ ચાલી રહી છે અને પરીક્ષાઓ પણ લેવામાં આવી રહી છે. શાસકપક્ષના નવા અને સ્થાનિક હોદ્દેદારોની નિમણૂંકો પણ બાકી છે.(file image)