Mysamachar.in-
બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ માટે અચ્છે દિન ચાલી રહ્યા છે. લોકો પાસે ખર્ચ કરવા પર્યાપ્ત નાણાં નથી, આથી વધુ ને વધુ લોકો દેણદાર બની રહ્યા છે, લોન્સ લઈ રહ્યા છે. પાછલાં 6 માસમાં આ ટ્રેન્ડ વધી ગયો હોવાના આંકડા જાહેર થયા છે. મકાન, વાહન અને અન્ય જિવનજરૂરી ચીજો ખરીદવી માણસ માટે ફરજિયાત બની રહી છે પણ લોકો પાસે નાણાં નથી, આથી દેણદાર બનીને પણ લોકો ખર્ચ કરી રહ્યા છે, બેંકો અને અન્ય નાણાં સંસ્થાઓમાંથી લોન્સ ઉપાડી રહ્યા છે, આથી આ નાણાંકીય સંસ્થાઓની કમાણી વધી રહી છે. 2024ની સરખામણીએ વર્ષ 2025ના પ્રથમ 6 માસ દરમ્યાન લોન્સનું પ્રમાણ વધી ગયું છે.
નાણાં સંસ્થાઓનો રિપોર્ટ કહે છે: 2024માં લોકોએ પ્રમાણમાં ઓછી લોન્સ ઉપાડી હતી, આથી નાણાં સંસ્થાઓ માટે એ વર્ષ મંદીસમાન રહ્યું. પરંતુ નાણાંકીય વર્ષ 2025-26ના પ્રથમ છ માસ એટલે કે, ગત્ એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન લોકોએ પુષ્કળ લોન્સ લીધી. જુદા જુદા સેગમેન્ટમાં લોન્સ લેવાની આ વૃદ્ધિ આશરે 6 ટકાથી માંડીને 23 ટકા સુધીની જોવા મળી છે.
જો કે આ છ માસ દરમ્યાન લોકોએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધુ નથી કર્યો, લોન્સ લઈ લીધી. વર્ષ 2024-25 માં લોન્સનો વૃદ્ધિદર માત્ર 3 થી 11 ટકા રહ્યો હતો. તે સરખામણીએ આ વર્ષે બમણી લોન્સ ઉપાડવામાં આવી છે. એમાંયે પાછલાં 3 મહિનામાં, જૂલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તો, આગલા વર્ષની સરખામણીએ લોન્સમાં 35 ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે.
જૂલાઈથી સપ્ટેમ્બરના સમયમાં આગલાં વર્ષની સરખામણીએ આ વર્ષે ટીવી, ફ્રીજ, મોબાઈલ જેવી કન્ઝયુમર ચીજોનું વેચાણ લોન્સની મદદથી 6 ગણું વધી ગયું. આ કેટેગરીમાં ખાનગી બેન્કોનો હિસ્સો પણ વધી ગયો છે.
હવે લોકો માત્ર ઈમરજન્સી પરિસ્થિતિઓ માટે જ નહીં, ચીજો વસાવવા માટે, નાણાં ન હોવા છતાં, વ્યાજ ચૂકવી લોન્સ લઈ રહ્યા છે. સ્થિર આવક, સુરક્ષિત નોકરી અને મજબૂત ક્રેડિટ ઈતિહાસના આધારે વધુ ને વધુ લોકો લોન્સ આધારિત જિવન જિવવાનું પસંદ કરી રહ્યા છે.





















































