Mysamachar.in-ગુજરાત:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભારે સંચાર અને દોડધામ ચાલી રહ્યા છે. તમામ પક્ષો પૂરતી તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસ પણ ઝાઝી હોહા કર્યા વિના ઝડપી તૈયારીઓ ક્યારની શરૂ કરી ચૂકી છે. કોંગ્રેસ પક્ષે રાજયની તમામ 182 વિધાનસભા બેઠક માટે દાવેદારોની સેન્સ લીધાં પછી, સંભવિત ઉમેદવારોનાં નામોની યાદી પણ તૈયાર કરી લીધી છે. આ યાદીમાં સંખ્યાબંધ નામો એવાં છે જેમાં પ્રદેશ કક્ષાએ સંપૂર્ણ સહમતી સધાઈ ચૂકી છે. કેટલાંક નામો પર દિલ્હીનાં માર્ગદર્શન પ્રમાણે, નિર્ણયો લેવામાં આવશે. કોંગ્રેસ પોતાનાં પ્રત્યેક ધારાસભ્યોને ટિકિટ આપશે. જો કોઈ ધારાસભ્ય અંગત કારણોસર કે પછી ઉંમરને કારણે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવશે તો તેની પસંદગીનાં દાવેદારને આખરી નિર્ણયમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
ટૂંકમાં, મોટાભાગની બાબતો અને વિકલ્પો પ્રદેશકક્ષાએ વિચારાઈ ચૂક્યા છે. હવે તમામ દાવેદારોની અને નક્કી થઈ ચૂકેલાં ઉમેદવારોની યાદી દિલ્હીમાં સ્ક્રિનીંગ કમિટી સમક્ષ રજૂ થશે. આ કમિટીની બેઠક આગામી બુધવારથી ત્રણ દિવસ માટે દિલ્હીમાં શરૂ થઈ રહી છે. જેમાં પ્રત્યેક નામ પર વિચારણા થશે. બાદમાં નામો પર આખરી મહોર લાગશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જાહેર કર્યું છે કે, જે નામો નક્કી જ છે તે પ્રથમ જાહેર થશે. આ ઉપરાંત પ્રદેશ કક્ષાએ જે નામો સહમતીથી નક્કી થઈ ચૂક્યા છે તે નામો પણ પ્રથમ તબક્કામાં જાહેર કરવામાં આવશે. ટૂંકમાં, દિવાળી પછી તરત જ ગુજરાત કોન્ગ્રેસના ઉમેદવારોનાં નામોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવશે.
પ્રભારીએ જણાવ્યું છે કે, 2017 ની ચૂંટણીમાં પણ નવાં અને યુવા ચહેરાઓને સારી સફળતા મળી હતી. આ વખતે પણ સંખ્યાબંધ નવાં અને યુવા ચહેરાઓને તક આપવામાં આવશે. અત્રે એ પણ નોંધનીય છે કે, ગત્ ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો હતો અને પાછલાં પાંચ વર્ષમાં શાસનવિરોધી પરિબળો મજબૂત બન્યા છે એવું માનતી કોન્ગ્રેસ ધારી રહી છે કે, આ ચૂંટણીમાં પણ તેમનો પક્ષ નોંધપાત્ર દેખાવ કરી, સતા સુધી પહોંચી જશે. ગત્ ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ચિત્ર પલ્ટી જતાં મજબૂત કોન્ગ્રેસ થોડાં અંતરે સતાથી દૂર રહી ગઈ હતી, જે પણ અત્રે ઉલ્લેખનીય છે.