Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં સરકારી ઈમારતો ઉપરાંત હજારો ખાનગી ઈમારતોમાં લિફ્ટની સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ બધી ઈમારતોની લિફ્ટના મેન્ટેનન્સ અને સમારકામ સંબંધે સરકારી વિભાગ અને ખાનગી કંપનીઓ દ્વારા ઘોર બેદરકારીઓ સેવાઈ રહી હોવાના અનેક દાખલા મોજૂદ રહ્યા છે.
જામનગરમાં વધુ એક લિફ્ટ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક યુવાનનો ભોગ લેવાઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવ ગત્ રોજ રાત્રિના સમયે શહેરના બેડીનાકા-પંચેશ્વર ટાવર રોડ પર આવેલી ઈન્દ્રપ્રસ્થ નામની કોમર્શિયલ ઈમારતમાં બન્યો હોવાની વિગતો બહાર આવી છે.
આ ઈમારતની એક લિફ્ટનું સમારકામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન લિફ્ટનો એક બોલ્ટ કોઈ કારણસર તૂટી ગયો અથવા નીકળી ગયો. આથી આ લિફ્ટ ધડાકાભેર નીચે પડી. આ સમયે આ લિફ્ટનું સમારકામ કરી રહેલો 21 વર્ષનો નવાઝ સોરઠીયા નામનો યુવાન તોતિંગ લિફ્ટ નીચે કચડાઈ જતાં તેનો ભોગ લેવાઈ ગયો છે. આ દુર્ઘટનાને કારણે ચકચાર અને અરેરાટી ફેલાઈ ગઈ છે. સોરઠીયા પરિવારે આશાસ્પદ પુત્ર ગુમાવી દીધો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નજીકના ભૂતકાળના વર્ષોમાં આ અગાઉ શહેરના આનંદ કોલોની વિસ્તારમાં એક બાળાનું લિફ્ટમાં આવી જવાથી મોત થયું હતું. અને શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર લોકો લિફ્ટમાં ફસાઈ જતાં હોય એવા બનાવો બનતાં રહે છે. મતલબ કે, લિફ્ટના ક્ષેત્રમાં સંબંધિત સરકારી વિભાગ અને ખાનગી કંપનીઓ દ્વારા લિફ્ટ મેન્ટેનન્સ અને સમારકામ કામગીરીઓમાં યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. ચકાસણીઓમાં બેદરકારીઓ દાખવવામાં આવે છે. માનવજિવનનું મૂલ્ય ધ્યાન પર લઈ સૌ સંબંધિતોએ આ સંબંધે યોગ્ય કાળજી લેવી જોઈએ અને સમયાંતરે જરૂરી કામગીરીઓ કરવી જોઈએ તો આવા કમનસીબ બનાવો ટાળી શકાય અથવા ઘટાડી શકવામાં સફળતા મળી શકે.


