Mysamachar.in-જામનગર
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામે ગત મોડીરાત્રીના એક સનસનીખેજ લુંટની ઘટના સામે આવી છે, અને આવેલ ચાર શખ્સો છરીની અણીએ એક કાર સહીત સોના ચાંદીના દાગીના સહિતની માલમતા મળી 8 લાખથી વધુની લુંટ કરી ફરાર થઇ જતા જામનગર અને દેવભૂમિ દ્વારકા બન્ને જીલ્લાની પોલીસ એલર્ટ હતી એવામાં લાલપુર પી.એસ.આઈ.ડી.એસ.વાઢેરને માહિતી મળી કે જે કારની લુંટ કરીને લુંટારાઓ નીકળ્યા છે તે લુંટારાઓ લાલપુર નજીકથી પસાર થશે તેવી માહિતીને આધારે લાલપુર પોલીસ મથકની જુદી જુદી ત્રણ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લાલપુરથી ખીરસરા તરફ જતા રસ્તા પર આ કાર સામેથી આવતી જોઈ અને લાલપુર પોલીસે પણ સરકારી બોલેરો તેની સામે કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા,
જો કે લુંટારાઓ લુંટ કરેલ કાર મુકીને ભાગી છૂટે તે પૂર્વે તેણે પોલીસની બુલેરો પર પત્થરમારો કરતા લાલપુર પોલીસની કારમાં નુકશાની પહોચતા લાલપુર પોલીસે આ અંગે લુંટારૂ શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો છે, આટલા ફિલ્મી દ્રશ્યો સર્જાયા બાદ પણ પોલીસે મોડીરાત્રીના અઢી વાગ્યા આસપાસ કાર મુકીને નાશી છુટેલા લુટારાઓને પકડવા ત્રણ ટીમો બનાવીને ખુબ ભાગદોડ કરી અને વહેલી સવાર સુધી પેટ્રોલિંગ અવિરત રાખ્યું હતું, પણ ખુબ ધુમ્મસ હોય તેનો લાભ લઇ અને લુટારાઓ પોબારી ભણી જવામાં સફળ થયા છે. જો કે લૂટ થયેલ ત્રણ લાખની કિમતની કાર પોલીસે રીકવર કરી લેવામાં સફળ થઇ છે.