Mysamachar.in:વડોદરા
ગુજરાતમાં દારૂબંધી તો છે જ પણ હવે અન્ય રાજ્યોમાંથી જુદા જુદા માદક દ્રવ્યો ગુજરાતમાં ઘુસાડવામાં આવતા હોય છે પણ પોલીસ આવા મનસુબાઓ પર પાણી ફેરવી દે છે, વાત છે વડોદરા રૂરલ એસઓજી પાર પાડેલ ઓપરેશનની જેમાં ચોખાની આડમાં પોષડોડાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. રોહન આનંદ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્યનાઓએ જીલ્લામાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ તથા હેરા-ફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરવામાં આવેલ હતી. જે સુચના આધારે ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક, બી.એચ.ચાવડાના માર્ગદર્શન હેઠળ જે.એમ.ચાવડા, પોલીસ ઇન્સપેકટર, એસ.ઓ.જી., નાઓની રાહબરી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી. ટીમને મળેલ ખાનગી માહિતી આધારે વેમાલી ગામની સીમમાં આવેલ સિધ્ધાર્થ એનેક્ષી કોમ્પ્લેક્ષ આગળ સર્વીસ રોડ પાસે કંપાઉન્ડમાં નશાકારક માદક પદાર્થ પોશડોડાની હેરાફેરી/વહન કરતા હોવાની માહિતી મળતા એસ.ઓ.જી. ટીમે રેડ કરી ટ્રક ચાલક ઇસમને નશાકારક માદક પદાર્થ પોશડોડાના કોમર્શીયલ જથ્થા સાથે ઝડપી પાડી તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આરોપીઓ વિરુધ્ધ મંજુસર પો.સ્ટે.માં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
પોલીસે ઇશ્વરસિંહ ગજેન્દ્રસિંહ રાજપુત, રહે. કીશોરનગર સોમેશ્વર, તા.શેરગઢ, જી. જોધપુર (રાજસ્થાન)ને ઝડપી પાડ્યો છે, જયારે ઉદારામ, રહે. કોલુ પાબુજી, તા.ફલોદી, જી.જોધપુર, રાજસ્થાન, (મુદ્દામાલ મોકલનાર તથા રીસીવર)ને પકડવાનો બાકી છે. પકડાયેલ આરોપી ઇશ્વરસિંહ ગજેન્દ્રસિંહ રાજપુત દ્વારા ઝારખંડ રાજ્યમાંથી ટ્રકમાં ચોખાના કટ્ટા ભરી તેની આડમાં નશાકારક પોશડોડા સંતાડી ગુજરાત રાજ્યમાંથી પરિવહન કરી રાજસ્થાન રાજ્યમાં લઇ જનાર હોવાની હકિકત પ્રાથમિક પુછપરછમાં જણાઇ આવેલ છે.

























































