mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં રાજ્ય સરકારે ગ્રામીણ પ્રજાની સુખાકારી માટે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અમલમાં લાવીને ગામના ગાડા માર્ગને ડામર રોડથી બનાવવાનો નિર્ણય લઈ સરકારે જીલ્લાના બાવન રોડ પસંદ કરીને ૪૮૭૧ લાખનું ફંડ આપવામાં આવ્યું પરંતુ યોગ્ય દેખરેખના અભાવે આ બાવન રોડમાંથી મોટા ભાગના રોડ ટૂંકાગાળામાં જ જર્જરિત થઈ જતાં સરકારના શુભ આશય પર પાણી ફરી વળ્યું છે,
ગ્રામીણ પ્રજામાં રોડ બનતા સમયે આનંદની લાગણી ફેલાઈ હતી પરંતુ આ આનંદ ક્ષણભર જ રહ્યો અને રોડની હાલત ખરાબ થવા લાગતા પ્રજામાં ધોર નિરાશા ફેલાઈ છે પ્રજામાં અધિકારીઓની છબી સારી નથી તેવું સામે આવ્યું છે ત્યારે નિષ્ઠાવાન અને કડક છાપ ધરાવતા મહિલા જીલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરિકએ ગ્રામીણ પ્રજામાં એક આશાનું કિરણ જગાવ્યું છે અને તેમણે જણાવ્યુ છે કે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજનાની યોગ્ય અમલવારી કરવામાં આવશે,
જામનગર જીલ્લામાં આ યોજનામાં ચાલતી ગેરરીતિ મામલે અને ફરિયાદો ઉઠતા તપાસના અંતે mysamachar.in દ્વારા સચિત્ર અહેવાલ,વિડીયો સાથે પ્રજાની જાણકારી માટે પ્રસિદ્ધ કરીને પ્રજાએ જેને ચૂંટીને મોકલેલ છે તેવા ધારાસભ્યોના પણ આ મામલે મંતવ્ય લેવામાં આવ્યા છે,
આ મામલે જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પરમારને રૂબરૂ સંપર્ક કરવામાં આવતા તેમણે મોઢું સીવી લઈને કશું જ કહેવાનો ઇન્કાર કરી દીધો અને મારે કાઇ કહેવું નથી તેવો જવાબ આપીને ગ્રામીણ પ્રજાની મસ્કરી કરી હોય તેવું લાગ્યું,
ત્યારે જેના શીરે આખા જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રની જવાબદારી છે તેવા નિષ્ઠાવાન મહિલા જીલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરિકની રૂબરૂ મુલાકાત લેતા મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજનાની કામગીરી બાબતે જણાવ્યુ હતું કે,
આ વિભાગમાં નબળા કામની ફરિયાદો તો છે જ ત્યારે ખાસ કરીને ગ્રામીણ પ્રજાની સુવિધા માટે સરકારની મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજનાનો હેતુ અન્વયે સારું અને ગુણવતાસભર કામ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પરમારને કડક સૂચના આપવામાં આવી છે અને કામ પર યોગ્ય મોનીટરીંગ કરવામાં આવશે અને હું પણ અમુક કામોની જાત તપાસ કરીને આ યોજના હેઠળ રોડના કામ સારા થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે,તેવું અંતે જીલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરિકએ જણાવ્યુ હતું.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.