Mysamachar.in-ગાંધીનગરઃ
ચાલુ વર્ષે એક તરફ મંદીની ચર્ચા ચાલી રહી છે, તો બીજી બાજુ લીલા દુષ્કાળને કારણે મહેનત અને માથે દેણા કરી ખેતી કરતાં ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની છે. સરકાર દ્વારા શરતોને આધિન મદદનો હાથ લંબાવવામાં આવ્યો. એટલે કે જો નક્કી કરેલા માપદંડ પ્રમાણે પાક હશે તેવા ખેડૂતોનો માલ ટેકાના ભાવે ખરીદવામાં આવશે. કુદરતના માર્યા ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન વહેલી સવારથી ખેડૂતો પોતાનો પાક લઇને માર્કેટ યાર્ડે પહોંચી લાઇનો લગાવી છે. એવામાં કેટલાક ખેડૂતોની ફરિયાદ છે કે કલાકો બાદ વારો આવ્યો પરંતુ મગફળીમાં માપદંડનો હવાલો આપી માલ રિજેક્ટ કરી રહ્યાં છે. એવામાં ભાડું અને સમય બગાડી મગફળી વેચવા આવેલા ખેડૂતો વીલા મોઢે ઘરે જવા મજબૂર બની રહ્યાં છે.
જો તમે પણ મગફળી વેચવા જવાનું વિચારી રહ્યાં છો તો સરકાર દ્વારા ધારા ધોરણ પ્રમાણે નક્કી કરાયેલા સાત માપદંડો જાણવા જરૂરી છે. જેમાં પ્રથમ સેમ્પલમાંથી લેવામાં આવેલી મોટી મગફળીના દાણાનું વજન 65% હોવું જોઈએ. સેમ્પલમાંથી લેવામાં આવેલી નાની મગફળીમાં દાણાનું વજન 70% હોવું જોઈએ. સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં કચરાનું પ્રમાણ માત્ર 2% જ હોવું જોઈએ. તો સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં ભેજનું પ્રમાણ 8%થી ઓછું હોવું જોઈએ. પાંચમું સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં ડેમેજ થયેલ મગફળીનું પ્રમાણ 2%થી ઓછું હોવું જોઈએ. તો સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં અલગ અલગ જાતની મગફળી એટલે કે નાની-મોટી મગફળીનું પ્રમાણ ચાર ટકાથી ઓછું હોવું જોઈએ. છેલ્લે સેમ્પલમાંથી લેવામાં આવેલી મગફળીમાં ગોગડીનું પ્રમાણ ચાર ટકાથી ઓછું હોવું જોઈએ. જો તમારી મગફળી આ માપદંડ પ્રમાણે છે તો જ ટેકાના ભાવે ખરીદવામાં આવશે અન્યથા રિજેક્ટ માલમાં આવશે અને તમને ફાયદો થશે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે સરકારે નક્કી કરેલા માપદંડો ખૂબ જ મુશ્કેલ છે, આ વખતે કમોસમી વરસાદને વિનાશ વેર્યો છે, આથી સરકાર મગફળીમાં ભેજના માપદંડમાં થોડી રાહત આપે.