Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા શહેરમાં ગત ડિસેમ્બર માસમાં એક ગઢવી યુવાનને નિર્વસ્ત્ર કરી અને શહેરમાં ફુલેકુ ફેરવવાના પ્રકરણમાં જે-તે સમયે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. અને આ મામલો સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો અને સંડોવાયેલા શખ્સો સામે ગુન્હો નોંધી પાસા સુધીની કાર્યવાહી તો જવાબદાર પોલીસકર્મીઓ સામે પણ સસ્પેન્ડ અને બદલી સુધીની કાયર્વાહી થઇ હતી થોડો સમય શાંત રહેલો આ મામલો અચાનક ફરી ચર્ચામાં આવ્યો છે, આ પ્રકરણમાં જામીન પર છૂટેલા એક આધેડે આજે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો વિડીયો શહેરભરમાં વાઇરલ થતાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. દવા પીધા બાદ આ યુવાન મૃત્યુ થયાંનું હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા રહેતા ચંદુ અરજણ રુડાચ નામના એક યુવાનને કોઈ કારણોસર ગત તારીખ પહેલી ડિસેમ્બરના રોજ ભારા જોધા ભોજાણી, વિગેરે દ્વારા અપહરણ કરીને લઇ ગયા બાદ નગ્ન કરી, શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેરવી અને ખંભાળિયા પોલીસ સ્ટેશને લઈ ગયાનો બનાવ બન્યો હતો. જે સંદર્ભે પોલીસે ચંદુ અરજણ રુડાચની ફરિયાદ પરથી જે તે સમયે પાંચ સામે વિવિધ કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર નગ્નકાંડ પ્રકરણ સંદર્ભે પોલીસ દ્વારા સાત શખ્સો સામે પાસા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં જે આધેડનું નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું છે તે ભારાભાઈ જોધાભાઈ ભોજાણી આજે સવારથી લાપતા બન્યા બાદ તેમના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
આ વીડિયોમાં તેમના દ્વારા જણાવ્યા મુજબ તેમને ચંદુ અરજણ રુડાચ, તેમના ભાઈ, તેમના માતા તથા તેમના પત્ની દ્વારા સામે માનસિક રીતે હેરાનગતી કરવા ઉપરાંત તોતિંગ રકમની માગણી કરવામાં આવતી હતી. આથી તેમણે કંટાળીને આખરે ઝેરી દવા પી લેવા માટે મજબુર બન્યા છે. આ વિડીયો ભારાભાઈ ગઢવીના પરિવારજનોના ધ્યાને આવતા તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે સંદર્ભે ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના વડપણ હેઠળ પી.એસ.આઇ. એમ.જે સાગઠીયા તથા સ્ટાફ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ સંદર્ભે વધુમાં જાણવા મળતી વિગત મુજબ પોરબંદર ખાતેની એક હોટલમાં જઈ અને આ વિડિયો બનાવી અને ભારાભાઈ જોધાભાઈ ભોજાણીએ ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું છે. આ પ્રકરણ સંદર્ભે પોલીસે ચંદુ અરજણ ગઢવીની શોધખોળ આદરી, ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણે સમગ્ર શહેરમાં ભારે ચકચાર સાથે ગઢવી સમાજમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. આ પ્રકરણની આગળની તપાસ પોરબંદર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.