Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના તથીયા ગામની સીમમાં એલસીબીએ દરોડો પાડી અને એક આસામીની વાડીમાં સુરતના શખ્સ દ્વારા નાલ ઉઘરાવીને ચલાવતા જુગારધામ ઝડપી પાડ્યું છે, પોલીસે છ શખ્સોને મોટરકાર, બાઈક સહિત કુલ રૂપિયા 9.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન એલ.સી.બી. પોલીસ સ્ટાફ દ્વારા ગુરુવારે ખંભાળિયા તાલુકામાં કરવામાં આવેલી કામગીરીમાં સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લસકાણા ગામે રહેતા અરજણ હમીર કરમુર નામના શખ્સ દ્વારા ખંભાળિયા તાલુકાના તથીયા ગામની સોન કટકી સીમમાં રહેતા ગોગન રાજા કરમુરની કબજા ભોગવટાની વાડીમાં ચલાવતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો.
આ સ્થળેથી પોલીસે ગોગન રાજા કરમુર, કિશોર મોહન જોષી, અરજણ હમીર કરમુર, રસિક શિવરામભાઈ દવે, સુરેશ ઉર્ફે સુરીયો નારણભાઈ રાઠોડ અને ભીમશી દેવશી વસરા નામના છ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 3,78,600 રોકડા તથા રૂપિયા 26,000 ની કિંમતમાં પાંચ નંગ મોબાઈલ ફોન, રૂપિયા એક લાખની કિંમતનું એક મોટરસાયકલ તથા રૂપિયા ચાર લાખની કિંમતની એક મોટરકાર મળી, કુલ રૂપિયા 9,04,600 ના મુદ્દામાલ સાથે પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીએ ઉપરોક્ત શખ્સોની અટકાયત કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.