Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ગેમિંગ મારફતે જુગાર રમવાનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને જુવાનિયાઓ આવા જુગારના રવાડે ચડે છે અને બરબાદ થતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રહેતા બે સોશિયલ મીડિયા પ્રમોટરોએ ઓનલાઈન ગેમિંગ વેબસાઈટની લીંક પ્રોવાઇડ કરી અને લોકોને ઓનલાઈન જુગારના રવાડે ચડાવી, આવા જુગાર રમવાનું પ્રોત્સાહન પૂરું પાડતા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે જુદા જુદા બે ગુનાઓ નોંધ્યા છે. જેમાં ગાગા ગામ અને દેવળિયા ગામના બે પ્રમોટરોની અટકાયત કરી લેવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામની સીમ વિસ્તારમાં રહેતો અને સોશિયલ મીડિયા પ્રમોટર તરીકે કામ કરતા ભરત અરજન લગારીયા નામના 23 વર્ષના શખ્સ દ્વારા વોટ્સએપ નંબર ***** 82450 ના ઉપયોગકર્તા શખ્સ વિગેરે સાથે મળીને પોતાના આર્થિક ફાયદા માટે કોઈ પણ પ્રકારના લાયસન્સ કે અન્ય ઓથોરાઈઝ દસ્તાવેજ મેળવ્યા વગર પોતાની ઈન્સ્ટાગ્રામ આઈડી bharat_ahir_6353 ઉપર RAJA GAMES નામની લક આધારિત ઓનલાઈન ગેમિંગ વેબસાઈટની લીંક પ્રોવાઇડ કરી અને ગેરકાયદેસર રીતે ઓનલાઇન ગેમિંગના પ્રમોશન અર્થેના વિડીયો તેમજ રીલ્સ શેર કરવામાં આવતી હતી.
આ રીતે લોકોને ઓનલાઈન જુગાર રમાડી તેમજ ઓનલાઈન જુગાર રમવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતા આ અંગે સાયબર ક્રાઈમ વિભાગના હેભાભાઈ ચાવડાની ફરિયાદ પરથી ભરત લગારીયા અને આ પ્રકારે જુગાર માટે ચોક્કસ વોટ્સએપ નંબર ઉપયોગકર્તા શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે રૂ. એક લાખની કિંમતના મોબાઈલ ફોન સાથે આરોપી ભરત લગારીયાની અટકાયત કરી લીધી છે.
અન્ય એક ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધરણાંતભાઈ બંધીયાએ ફરિયાદી બનીને કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા સુમાત મસરી ચાવડા નામના 23 વર્ષના સોશિયલ મીડિયા પ્રમોટર- યુટ્યુબર તેમજ વોટ્સએપ નંબર ***** 19567/ ટેલીગ્રામ ઉપર sahil khan જેનું username #itx_sahil786 ના ઉપયોગકર્તા સામે નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવાયા મુજબ આરોપી સુમાત ચાવડા અને વૉટ્સએપ નંબર ***** 19567 ના સાહિલ ખાનના ઉપયોગકર્તા શખ્સ દ્વારા પણ લાયસન્સ કે ઓથોરાઈઝ દસ્તાવેજ મેળવ્યા વગર ઈન્સ્ટાગ્રામ આઈડી sumit_chavda01 ઉપર RAJA GAMES નામની લક આધારિત ઓનલાઈન ગેમિંગ વેબસાઈટની લીંક પ્રોવાઇડ કરી, અને આવી ગેરકાયદેસર ઓનલાઈન ગેમિંગના પ્રમોશન અર્થેના વિડીયો/રિલ્સ શેર કરી અને લોકોને ઓનલાઈન જુગારના રવાડે ચડાવવામાં આવતા હતા.આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 50,000 ની કિંમતના મોબાઈલ ફોન સાથે સુમાત મસરી ચાવડાની અટકાયત કરી લીધી હતી. (symbolic image source:google)
