Mysamachar.in-ગાંધીનગર:
આવતીકાલે મંગળવારે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ બીજેપી અધ્યક્ષ પાટિલે સમગ્ર રાજ્યના પક્ષના નેતાઓને ‘કમલમ્’ ખાતે બોલાવ્યા છે અને સૌની પાસેથી સદસ્યતા અભિયાનનો હિસાબ પૂછવામાં આવશે, તેના બરાબર 24 કલાક અગાઉ આજે સોમવારે સવારથી ભૂપેન્દ્ર પટેલ સરકારના 2 મહત્વપૂર્ણ મંત્રીઓની ખાનગી વાતો મીડિયાકર્મીઓના માઈકમાં તથા કેમેરામાં કેદ થઈ, જાહેરમાં ફરતી થઈ જતાં ભારે ચર્ચાઓ જાગી છે.
મંત્રીઓ જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલ એક પત્રકાર પરિષદ વખતે, આપસમાં એકદમ ધીમે કાંઈક વાતચીત કરી રહ્યા હતાં, એ દરમિયાન બંને મંત્રીઓની ખાનગી વાતચીતના વીડિયો ફૂટેજ કેમેરામાં ઓડિયો સાથે કેદ થઈ ગયા. અને, આ આખો મામલો રાજ્યમાં વાયરલ પણ થઈ જતાં, સમગ્ર રાજ્યમાં ચર્ચાઓ છે કે, આવતીકાલે પક્ષની બેઠકમાં કોઈ નવાજૂની થશે કે આજે સાંજ-રાત સુધીમાં જ કાંઈક નવું થશે ?!
બંને મંત્રીઓ વચ્ચે, એ મતલબની વાતચીત ચાલી રહી હતી કે, ધારાસભ્યો સહિતનાઓને ચૂંટણીઓમાં કેટલાં મત મળેલ છે અને તેની સામે તેઓએ નવા સદસ્ય કેટલાં બનાવ્યા ? એવી પૂછપરછ વડાપ્રધાન કક્ષાએથી થઈ રહી છે. આ વાતચીત દરમિયાન ઋષિકેશ પટેલ ‘ જે થાય એ…કાઢી મેલે તો કાઢી મેલે…’ એવું બોલતાં કેમેરામાં ઝડપાઈ ગયા અને ‘ બેસતું જાય છે..’ એમ બોલતાં જગદીશ વિશ્વકર્મા પણ કેમેરામાં કેદ થઈ ગયા. આ મામલો રાજ્યમાં અત્યારે સૌથી વધુ ચર્ચાઓમાં છે.