Mysamachar.in:જામનગર
કચરામાંથી કાંચન એટલે કે સોનું કેમ કાઢી લેવું – એ કળા જામનગર મહાનગરપાલિકા આશરે પંદરેક વર્ષથી સારી પેઠે જાણે છે. અને, આજની તારીખે આ ઉદ્યોગ જામનગર મહાનગરપાલિકામાં રાતદિવસ ધમધમતો હોવાનું આધારભૂત સૂત્રો જણાવે છે. જામનગર મહાનગરપાલિકાનાં કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ આ બાબતમાં વિલક્ષણ દ્રષ્ટિ ધરાવે છે એવું સમજાઈ રહ્યું છે. જેનાં માટે એક ઉદાહરણ કાફી છે ! વડોદરા મહાનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતાં, પાંચ કોન્ટ્રાકટરોનાં કચરાનાં વાહનોમાં કોર્પોરેશને GPS સિસ્ટમ લગાડી છે. જયારે જામનગર મહાનગરમાં આ કામગીરી કચરાનાં કોન્ટ્રાકટરોને સોંપી દેવામાં આવી છે ! કોન્ટ્રાકટરો પોતાનાં પગ પર પાણો મારે ? શું કામ મારે ?!
જામનગર મહાનગરપાલિકાનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં કન્ટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, જામનગરમાં ડોર ટુ ડોર કલેક્શન કરતી બંને એજન્સીઓએ પોતે જ પોતાના કચરાનાં વાહનોમાં GPS સિસ્ટમ લગાડી છે. શહેરમાં આશરે દોઢસો જેટલા વાહનો આ કામમાં રોકાયેલા છે. આ સિસ્ટમ બંધ થાય તો, રિપેર પણ કોન્ટ્રાકટર પોતાની રીતે કરી લ્યે !
ખરો ખેલ અહીં છે નગરજનો. કયું વાહન, શહેરમાં, કેટલાં ફેરા કરે છે ? કયા કયા વિસ્તારમાં ફેરા કરે છે ? તેનું GPS મોનિટરીંગ થાય છે કે કેમ ? ફેરાઓ સાચી રીતે નોંધાય છે કે કેમ ? તેનાં બિલો કેવી રીતે બને છે ? બિલોમાં દર્શાવવામાં આવેલાં ફેરાઓ અને GPS સિસ્ટમનો રિપોર્ટ મેચ થાય છે કે કેમ ? કચરાનાં બધાં જ વાહનોમાં કાયમ માટે GPS સિસ્ટમ ચાલુ હોય છે કે કેમ ? બિલો મંજૂર કરતી વખતે, ઝીણી ઝીણી તમામ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે કે કેમ ? અથવા, આ તમામ બિલો કોઈ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી મુજબ પાસ કરી દેવામાં આવે છે કે કેમ ?! વગેરે બાબતોની ક્યાંય, કોઈ ખરાઈ થતી હોય એવું ક્યારેય, કોઈએ જાહેરમાં છાતી ઠોકીને કહ્યું નથી ! ઉલટું, જ્યારે જ્યારે કચરાનો વિવાદ ઉઠે છે, સૌ સંબંધિતો મૌન જાળવવાનું પસંદ કરે છે ! કેમ ?!
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં GPS રિપોર્ટ સંદર્ભે કોન્ટ્રાકટરોનાં બિલોના ચુકવણા રોકાઈ જતાં, હવે બધું smooth રીતે દોડી રહ્યું છે. અત્રે એ પણ નોંધનીય છે કે, ગાંધીનગર વિસ્તારમાં કચરામાંથી વીજળી બનાવવાનો પ્લાન્ટ ધરાવતી કંપનીને પણ કોર્પોરેશન તરફથી કોઈ જ તકલીફ નથી. બધું જ બરાબર ચાલે છે ! ટૂંકમાં, કચરામાંથી આજે પણ, જામનગરમાં સોનું બની રહ્યું છે – એ ફાઈનલ.