Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લા પંચાયત છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાને એરણે ચઢ્યું છે અને તેની પાછળનું કારણ એક સસ્પેન્ડેડ કર્મચારીએ કરેલી કળા છે, ઇલેક્ટ્રિક શાખામાં પોતે કરેલ ભોપાળા છતાં ના થયા તે માટે સસ્પેન્ડેડ કર્મચારીએ એક ટ્રેક્ટર ભરી રેકોર્ડની ચોરીની ગઈકાલે ફરિયાદ સામે આવ્યા બાદ આ જ કર્મચારીએ જેના માટે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તે રેકોર્ડમાં બોગસ સહી સિક્કાઓ અધિકારીઓના કરવા મામલે ધ્રોલ પોલીસ મથકમાં બીજી ફરિયાદ નોંધાતા આ પ્રકરણ વધુ ઘાટું બની રહ્યું હોય તેમ લાગે છે.
આ અંગે જાહેર થયેલ વિગતો એવી છે કે જામનગર જીલ્લા પંચાયત બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર કૌશલ છેયા દ્વારા ધ્રોલ પોલીસ મથકે સસ્પેન્ડેડ કર્મચારી હરિસિંહ પી.ગોહિલ વિરુદ્ધ ફરિયાદ આપી છે તેમાં સામે આવે છે કે આરોપી હરીસિંહ પી. ગોહીલ, ઇલેકટ્રીશ્યન, ઇલેકટ્રીક શાખા પંચાયત વિભાગ જામનગરવાળા પોતે રાજય સેવક હોય જે હોદાનો ફાયદો લઇ પોતાને આર્થિક લાભ મળી રહે તે સારૂ ધ્રોલ તાલુકાના ખેંગારકા, હમાપર, દેડકદડ તથા જાળીયા (માનસર) ગામ ખાતે એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટના કામોમા તેમના દ્રારા આપવામા આવતુ કમ્પલીશન સર્ટીફીકેટ પર તેમની સહી બાદ નાયબ કાર્યપાલક ઇજનેર ધ્રોલની સહી કરવાની હોય જે સહીના બદલે નાયબ કાર્યપાલક ઈજનેર કચેરી ધ્રોલના બનાવટી સિક્કા બનાવી પોતાના કબ્જામા રાખેલ હોય જે સિક્કા લગાવી તેના પર નાયબ કાર્યપાલક ઈજનેરની સહી જેવી ભળતી અને બનાવટી સહી પોતાના કે પોતાના કોઇ મળતીયા દ્વારા કરી અથવા કરાવી નાયબ કાર્યપાલક ઈજનેર કચેરી ધ્રોલના જાવક નંબર કે ફોરવર્ડીંગ લેટર વગર બારોબાર તાલુકા પંચાયત કચેરી ધ્રોલ ખાતે બનાવટી અને બોગસ દસ્તાવેજને ખરા તરીકે રજુ કરેલ હોય જે બનાવટી કમ્પલીશન સર્ટીફીકેટના આધારે ધ્રોલ તાલુકા પંચાયત કચેરી દ્રારા ઉપરોકત કામોના બીલો મંજુર કરી ગ્રામ પંચાયતોને રૂ-8,79,832નુ ચુકવણૂ કરી આપ્યા સબબની ફરિયાદ બાદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.