Mysamachar.in-જામનગર:
સરકારમાં કેટલાંક વિભાગો એવા હોય છે જેની ચાર દીવાલ વચ્ચે શું શું થતું હોય છે અથવા ચાલતું હોય છે- એ અંગે ખાસ વિગતો બહાર આવતી હોતી નથી. કેટલાંક વિભાગો એવા હોય છે કે તેઓ એમ કહેતાં હોય છે- અમે ફીલ્ડમાં કામગીરીઓ કરી સરકારને ‘આવક’ રળી આપીએ છીએ. જો કે, ઘણાં કિસ્સાઓમાં આ અધિકારીઓ અને કર્મચારીઓ ફીલ્ડમાં હોય એવી વિગતો જાહેરમાં જોવા મળતી નથી. આ ઉપરાંત કેટલાંક વિભાગો એવા હોય છે, જેઓ ફીલ્ડ ‘ખેડતા’ હોય છે પણ ત્યાં શું ખેડવાણ કર્યું અને શું ઉપજ મેળવી- તેની માહિતીઓ કયારેય જાહેર કરતાં નથી, દાખલા તરીકે: ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ.
જામનગરનો તોલમાપ વિભાગ જણાવે છે: આ વિભાગે ગત્ એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન એટલે કે, વર્તમાન નાણાંકીય વર્ષ 2024-25 ના 11 દરમિયાન કુલ રૂ. 1,46,27,693ની આવક પ્રાપ્ત કરી છે. આ આવક પ્રાપ્ત કરવા માટે વિભાગે શહેર અને જિલ્લામાં તોલમાપ સાધનોની ચકાસણીઓ કરી છે અને ધંધાર્થીઓના સાધનોનું calibration કર્યું છે.

આ વિભાગ સંબંધી કાનૂની વિવાદોના ઉકેલ માટે મોબાઈલ કોર્ટ પણ ધરાવે છે. તમે કયારેય આ ચલિત અદાલત જોઈ છે ? આ વિભાગ અનાજ કરિયાણા, ઓઈલ મિલ, ઔદ્યોગિક એકમો, એગ્રો, ગેસ ડીલર, ડેરી, પેટ્રોલ પંપ, સુપર માર્કેટ, ધોરીમાર્ગ પરની હોટેલો, સિમેન્ટ, સોના ચાંદી વ્યવસાય, હાર્ડવેર સહિતના ધંધાર્થીઓને ત્યાં તોલમાપ સાધનોની ચકાસણીઓ કરે છે.
આ વિભાગ દ્વારા કામગીરીઓ અંતર્ગત 353 એકમોમાંથી અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ઝડપાઈ જતાં રૂ. 8,14,400ની માંડવાળ રકમો પણ વસૂલવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિવિધ વ્યવસાયના ઘણાં ધંધાર્થીઓ ચીજવસ્તુઓના માપ તથા જથ્થામાં ગ્રાહકો સાથે છેતરપિંડીઓ પણ કરતાં હોય છે. પરંતુ કાયદાકીય જોગવાઈઓ બહુ આકરી ન હોય, ધંધાર્થીઓને સજા કે મોટો દંડ થવાની નોંધપાત્ર ખબરો આ વિભાગમાં જોવા મળતી નથી.(symbolic image)
