Mysamachar.in-જામનગર:
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં એક ખાનગી કંપનીએ કરોડો રૂપિયાના ખર્ચે, શહેરના કચરામાંથી વીજળી ઉત્પાદન માટેની જાહેરાત કરી હતી ત્યારે, વર્ષો અગાઉ જામનગર મહાનગરપાલિકાએ આ પ્લાન્ટ અંગે ખૂબ જ મોટી અને મીઠડી વાતો ગજાવી હતી પરંતુ આજે વર્ષો બાદ, મહાનગરપાલિકા આ પ્લાન્ટ અંગે એક પણ શબ્દ બોલી શકવાની સ્થિતિમાં નથી ! આખી યોજના સંપૂર્ણ નિષ્ફળ.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર મહાનગરપાલિકાએ આ પ્લાન્ટ માટે ખાનગી કંપનીને મફત જમીન આપી હતી. અને વર્ષો અગાઉ એક ચૂંટણી વખતે તત્કાલીન મુખ્યમંત્રીએ આ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું ત્યારે સૌએ ફોટોસેશનમાં હસતાં મુખે મોટી મોટી વાતો કરી હતી. આ બધી જ વાતો વારતાઓ સાબિત થઈ. આ પ્લાન્ટને કાયમી ધોરણે તાળું લાગી ગયું અને મહાનગરપાલિકા હવે આ પ્લાન્ટ અંગે એક પણ શબ્દ બોલી શકવાની સ્થિતિમાં નથી.
અત્રે એ પણ નોંધનીય છે કે, ખાનગી કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયા આપી મહાનગરપાલિકા આખા શહેરનો કચરો આ પ્લાન્ટમાં ખાનગી કંપનીને સોંપતી હતી. આ કચરામાંથી કંપની વીજળી પેદાં કરતી હતી.
કંપનીએ મફતમાં મહાનગરપાલિકાની જમીન વાપરી લીધી, મફતમાં આખા શહેરનો કચરો પ્લાન્ટના રો મટીરીયલ્સ તરીકે મેળવી લીધો. પ્લાન્ટ માટેની કરોડો રૂપિયાની લોન લઈ લીધી. પ્લાન્ટમાં ઉત્પાદન થયેલી વીજળી મોંઘા ભાવે સરકારને વેચાણ કરી, આ કરોડો રૂપિયા ખિસ્સામાં સેરવી લીધાં. હવે કંપની કહે છે: આ ધંધો પોસાતો નથી, માટે પ્લાન્ટ બંધ !
ટૂંકમાં સરકારે અને મહાનગરપાલિકાએ, લોકોના નાણાંથી ખાનગી કંપનીના ખિસ્સા ગરમ કરી દીધાં. ચૂંટણીઓના પ્રચારમાં મતદાતાઓની વાહવાહી મેળવી લીધી. વિવાદાસ્પદ કંપનીને કરોડો કમાવી દીધાં. મહાનગરપાલિકા આ કંપનીની સામે ખોંખારો ખાઈ શકવાની ત્રેવડ ધરાવતી નથી. હાલમાં મહાનગરપાલિકા પ્રજાના કરોડો રૂપિયા ખર્ચ કરી, શહેરનો કચરો ડમ્પિંગ સાઈટ પર ફેંકી આવે છે. ભલે રોગચાળો પેદાં થાય !
હવે મહાનગરપાલિકાએ નવું ગતકડું શરૂ કર્યું…!!
જામનગરમાં આ મામલો લોકોને ભૂલાવી દેવા, મહાનગરપાલિકા હવે એવી ખોટી માહિતીઓ લીક કરી અફવા ફેલાવે છે કે, હવે આ પ્લાન્ટ બાબતે મહાનગરપાલિકાએ કશું કરવાનું રહેતું નથી. આખરી સેટલમેન્ટ ગાંધીનગરથી સરકાર કરશે.
આ અફવા છે કે હકીકત ? તે જાણવા આજે સવારે Mysamachar.in દ્વારા જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમણે કહ્યું આ પ્લાન્ટના સંદર્ભમાં રાજ્ય સરકાર તરફથી કોઈ જ ડેવલપમેન્ટ નથી, પ્લાન્ટ બંધ છે, બસ એથી વિશેષ કશું નહીં.
અધિકારીના આ નિવેદનનો અર્થ એ થઈ શકે કે, મહાનગરપાલિકાએ આ આખા મામલામાંથી હાલ હાથ ઉંચા કરી દીધાં છે અને મહાનગરપાલિકા એમ પણ ઈચ્છે છે કે, ગામમાં સૌ આ પ્લાન્ટને ભૂલી જાય. કોઈ કશું બોલે નહીં ! ટૂંકમાં, આ મામલામાં પણ જામનગરનો કચરો વધુ એક વખત ગંધાયો ! અને, સૌ જવાબદારો ચૂપ રહેવામાં શાણપણ અનુભવી રહ્યા છે.(file image)


